અફઘાનિસ્તાનના યુદ્ધના સૌથી જૂના ખેલાડી રશિયાને હવે કેમ આટલું બધું સારું લાગી રહ્યું છે તાલિબાન?

252

તાલિબાન શાસન 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં પરત ફરી રહ્યું છે.ઘણા દેશો અમેરિકાના નિર્ણય અને આતંકવાદી સંગઠનનો વિરોધ અને ટીકા કરી રહ્યા છે.આ દરમિયાન કેટલાક દેશો તાલિબાન સાથે ઉભા જોવા મળે છે.જેમાં પાકિસ્તાન,રશિયા,ચીન અને તુર્કી જેવા દેશોનો સમાવેશ થાય છે.આ દેશોએ કાબુલમાં તેમના દૂતાવાસો કાર્યરત રાખવાની જાહેરાત કરી છે કારણ કે ગ્રૂપે દૂતાવાસોની સુરક્ષાની ખાતરી આપી છે.રશિયાએ તાલિબાનના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તાલિબાન શાસન દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ અશરફ ગનીની સરખામણીમાં સારી રહેશે.

24 કલાકમાં જ બદલાય ગઇ તસવીર

કાબુલમાં રશિયાના રાજદૂત દિમિત્રી ઝિર્નોવે તાલિબાનની પ્રશંસા કરતા કહ્યું કે તાલિબાનોએ અશરફ ગનીના શાસન કરતા માત્ર 24 કલાકમાં કાબુલને સુરક્ષિત બનાવી દીધું છે.તેમણે કહ્યું કે અત્યારે સ્થિતિ પહેલા કરતા શાંત અને સારી છે.ગનીના શાસન દરમિયાન વિકાસ શૂન્ય પર હતો અને અવ્યવસ્થા તેની ટોચ પર હતી.તેમણે કહ્યું કે અશરફ ગનીના શાસનમાં લોકોએ આશા ગુમાવી દીધી હતી પરંતુ તાલિબાન શાસનના માત્ર 24 કલાક બતાવે છે કે આગળ જતા બધું સારું થશે.સમાચાર એજન્સી રોઇટર્સના મતે જીર્નોવે મોસ્કોના એકો મોસ્કિવી રેડિયો સ્ટેશન સાથે વાત કરતા આ વાત કહી હતી.

જતા-જતા દેશનો ખજાનો ખાલી કરી ગયા ગની

જીર્નોવના જણાવ્યા મુજબ, અગાઉ નિ:શસ્ત્ર તાલિબાન એકમો કાબુલમાં ઘુસી ગયા હતા અને સરકાર અને અમેરિકી દળોને શરણાગતિ માટે કહ્યું હતું.જ્યારે તેઓએ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો ત્યારે સશસ્ત્ર એકમો કાબુલમાં પ્રવેશ્યા ત્યારબાદ અશરફ ગની ડરથી દેશ છોડીને ભાગી ગયા.રાષ્ટ્રપતિએ દેશ છોડ્યા બાદ કાબુલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે તેઓ તાલિબાન સાથે મંગળવારે વિગતવાર સુરક્ષા મંત્રણા કરશે.રશિયન ન્યૂઝ એજન્સી આરઆઇએ નોવોસ્ટીના જણાવ્યા અનુસાર અશરફ ગનીએ દેશ છોડીને ભાગી જતા અફઘાનિસ્તાનની તિજોરી ખાલી કરી દીધી છે.

રશિયા તાલિબાન સાથે શું કામ મિત્રતા વધારી રહ્યું છે?

વિશ્લેષકોનું કહેવું છે કે રશિયા મધ્ય એશિયામાં તેના હિતોનું રક્ષણ કરવા માંગે છે, જ્યાં તેની પાસે અનેક લશ્કરી મથકો છે.રશિયા સરહદ સાથે જોડાયેલા પ્રદેશમાં અસ્થિરતા અને આતંકવાદ ઇચ્છતું નથી.રશિયાના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાબુલમાં સ્થિતિ ‘સ્થિર’ છે અને દાવો કર્યો છે કે તાલિબાને ‘જાહેર વ્યવસ્થા પુન:સ્થાપિત’ કરવાનું શરૂ કર્યું છે.જીર્નોવનું કહેવું છે કે તાલિબાનોએ રશિયાને ખાતરી આપી છે કે તેમના રાજદ્વારીઓનો ‘એક વાળ પણ વાંકો કરશે નહીં’.

રશિયાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હોવા છતાં મોસ્કોમાં મંત્રણા માટે તાલિબાનને ઘણી વખત હોસ્ટ કરીને જૂથની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતામાં વધારો કર્યો છે.જુલાઈમાં રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે તાલિબાનને એક ‘મોટી શક્તિ’ ગણાવી હતી અને અફઘાન સરકારને વાટાઘાટોમાં અડચણ માટે જવાબદાર ગણાવ્યા હતા.

રશિયા અને તાલિબાનના સંબંધોનો ઇતિહાસ

રશિયા સતત તાલિબાનનો પક્ષ લઈ રહ્યું છે પરંતુ બંને વચ્ચેની મિત્રતા જૂની નથી. એ જ રશિયા છે જે 80ના દાયકામાં અફઘાનિસ્તાન પર કબજો કરીને અફઘાન મુજાહિદ્દીનને કચડી રહ્યું હતું.ત્યારબાદ અમેરિકાએ મુજાહિદ્દીનોને મદદ કરી.બાદમાં આ યુદ્ધમાં રશિયાને હરાવીને તે દેશ છોડીને ભાગી ગયો.રશિયાએ એક જર્જરિત યુદ્ધગ્રસ્ત દેશને પાછળ છોડી દીધો હતો.ત્યારબાદ મુજાહિદ્દીનોએ અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી પરંતુ પરસ્પર મતભેદોને કારણે આંતરિક ઝઘડો ચાલુ રહ્યો.

તેનું પરિણામ 1994માં તાલિબાનની સ્થાપના અને 1996માં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી સંગઠને દેશમાં સત્તા કબજે કરી હતી, જે 2001માં અમેરિકન સૈન્ય દ્વારા આક્રમણના કેટલાક મહિનાઓ બાદ ઉથલાવી દેવામાં આવી હતી.ત્યારબાદ જે થયું તે ઇતિહાસ છે અને અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ દરેકની સામે છે.

Share Now