કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમની આ ટિપ્પણી બાદ નવો વિવાદ શરૂ થઈ ગયો છે.સુભાષ સરકારે કહ્યું કે, નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની માતાએ બાળપણમાં તેમને ખોળામાં એટલા માટે ના લીધા કેમકે તેમનો રંગ સફેદ નહોતો.મંત્રીની આ ટિપ્પણી પર પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે નારાજગી વ્યક્ત કરતા આને રાજ્યના મહાન પુરુષનું અપમાન ગણાવ્યું.જો કે ભાજપના મંત્રીએ બચાવ કરતા કહ્યું કે, તેમની ટિપ્પણી રંગભેદ વિરુદ્ધ હતી.
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી પશ્ચિમ બંગાળમાં વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય પહોંચ્યા હતા.અહીં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે, ટાગોરના પરિવારમાં સૌ ધોળા હતા, પરંતુ રવિન્દ્રનાથ ટાગોરનો રંગ કાળો હતો.સુભાષ સરકારે કહ્યું કે, ‘બે પ્રકારની ધોળી ત્વચાવાળા લોકો હોય છે.એક જેઓ પીળા રંગના તેજ સાથે ઘણા ધોળા હોય છે અને બીજા ધોળા હોય છે, પરંતુ લાલ રંગના તેજનો પ્રભાવ હોય છે. ટાગોર બીજી શ્રેણીના હતા.’
તેમણે આગળ કહ્યું કે, ‘ટાગોરનો રંગ વાઇટ ના હોવાના કારણે તેમની માતા અને પરિવારના અન્ય સભ્ય રવિન્દ્રનાથને ખોળામાં નહોતા લેતા.’ શિક્ષણવિદો અને રાજનેતાઓએ સુભાષ સરકારના આ નિવેદનની ટીકા કરી છે.શિક્ષણવિદ પબિત્રા સરકારે દાવો કર્યો કે, આ સંપૂર્ણ રીતે રંગભેદ પર ટિપ્પણી છે.રવિન્દ્રનાથ ટાગોર ક્યારેય પણ શ્યામ રંગના નહોતા.મંત્રીએ કહ્યું કે, ટાગોરે નોબેલ જીત્યો અને દુનિયામાં તેમની પ્રશંસા થઈ,પરંતુ તેમની માતા અને પરિવારે તેમને ક્યારેય ખોળામાં લીધા નહીં.
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે સુભાષ સરકારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય.આ પહેલા સુભાષ સરકારે કહ્યું હતું કે, રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બીરભૂમમાં થયો હતો.’


