– પાટીલે ગુલાંટ મારતા કમલમમાં ગણગણાટ શરૂ થયો
– મતવિસ્તારમાં ગાંઠના પૈસે પક્ષના કાર્યક્રમ કરીને ચૂંટણી લડવા ઇચ્છુકોની મહેનત પાણીમાં ગઇ,દાવેદારોના ભવાં ચડયા
અમદાવાદ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં 60થી વધુ વયના ભાજપના નેતાને ટીકીટ અપાશે તેવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરી છે જેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.પાટીલે ગુલાંટ મારતા જ ભાજપના યુવા કાર્યકરો-નેતાઓ નારાજ છે.કમલમમાં એવો ગણગણાટ શરૂ થયો છેકે,જો જૂના જોગીઓ,પક્ષપલટુઓને જ ટીકીટ આપવાની હોય તો ,શું અમારે પોસ્ટર ચોંટાડવાના,ભીડ ભેગી કરવાનીને અને ખુરશીઓ જ ગોઠવવાની.
સૃથાનિક સ્વરાજયની ચૂંટણી વખતે બે ટર્મથી વધુ વખતથી ચૂંટાયા હોય,60 વર્ષથી વધુ વય હોય તો ટીકીટ અપાશે નહીં તેવા કાયદા ઘડી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કેટલાંય દાવેદારોને ચૂંટણી મેદાને ઉતરતા અટકાવી દીધા હતાં.યુવાઓને ચૂંટણીના કામે લગાડવા એવો માહોલ ઉભો કરાયો કે, આ જ નિયમો વિધાનસભાની ચૂંટણી વખતે ય લાગુ થશે.પાટીલ રાજકીય વચન પર ખરા ઉતરશે તેવુ મનમાં રાખી દાવેદારો મત વિસ્તારમાં કામે લાગ્યા હતાં. કોરોનાકાળમાં ય ગાંઠના પૈસે પક્ષની વાહવાહી કરવા રેશનકીટ વિતરણથી માંડીને બ્લડકેમ્પ જેવા કાર્યક્રમ યોજયા હતાં.
જૂના જોગીઓનુ પત્તુ કપાશે અને ધારાસભ્ય બનવાની તક મળશે તેવી રાજકીય ખ્વાહીશ સાથે દાવેદારોએ પક્ષ ખાતર પરસેવો પાડયો હતો. પણ વિધાનસભાની ચૂંટણી આવતાં જ પાટીલે યુવાઓ પરથી ભરોસો ઉઠાવી લીધો હતો.પાટીલને લાગે છેકે,જૂના જોગીઓ જ સંઘ કાશીએ પહોંડાશે.છેલ્લી ઘડીએ પાટીલે પલટી મારી એવી જાહેરાત કરીકે, આ બધા નિયમો માત્ર સૃથાનિક સ્વરાજયની ચૂંટણી પુરતા જ હતાં.વિધાનસભામાં 60થી વધુ વયનાને ટીકીટ મળશે.પાટીલની આ જાહેરાત બાદ કમલમમાં ગણગણાટ શરૂ થયો છે.
દાવેદારો એવો ઉભરો ઠાલવી રહ્યા છેકે, જો જૂના જોગીઓ અને પક્ષપલટુઓને જ મંત્રી-ધારાસભ્ય બનાવવાના હોય તો શુ અમારે આખી જીંદગી કમલમના આટાંફેરા મારવાના છે,શુ તમારે સત્તા ભોોગવવાનીને અમારે પોસ્ટર ચોટાડવાના ને ભીડ જ ભેગી કરવાની છે.સંનિષ્ઠ કાર્યકરોને પક્ષમાં કોઇ સૃથાન જ નથી.
પાટીલની જાહેરાત બાદ ધારાસભ્ય બનવાની તમન્ના સાથે મત વિસ્તારમાં લોકસંપર્ક કરતાં દાવેદારોની મહેનત પાણીમાં ગઇ છે.હવે દાવેદારો જ નહીં, નારાજ કાર્યકરો પણ ચૂંટણી વખતે નિષ્ક્રીય રહીને ભાજપને પાઠ ભણાવવા અંદરખાને નક્કી કરી રહ્યા છે.આગામી દિવસોમાં ભાજપે મનામણાંનો દોર શરુ કરવો પડે તો નવાઇ નહીં.
પાટીલ આ જૂના જોગીઓની ટિકિટ કાપી નહીં શકે
વિજય રુપાણી, નીતિન પટેલ, નિમા આચાર્ય, વાસણ આહિર, દિલિપ ઠાકોર,ભરતસિંહ ડાભી, કરસન સોલંકી,કૌશિક પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિશોર ચૌહાણ, વલ્લભ કાકડિયા, બાબુ જમના પટેલ, અરવિંદ પટેલ, ધનજી પટેલ, ગોવિદ પટેલ, કુંવરજી બાવળિયા, આર.સી.ફળદુ, પિયુષ દેસાઇ, ભરત પટેલ, અજમલજી ઠાકોર, રાઘવજી પટેલ, બાબુ બોખરિયા, પુરષોત્તમ સોલંકી, સૌરભ પટેલ, ગોવિંદ પરમાર, પંકજ પટેલ, જેઠા ભરવાડ, યોગેશ પટેલ, સી.કે.રાઉલજી, બચુ ખાબડ, મધુ શ્રીવાસ્તવ, અભેસિંહ તડવી, જીતેન્દ્ર સુખડિયા, રાજેન્દ્ર ત્રિવેદી, કાંતિ બલર, વિવેક પટેલ, મોહન ઢોડિયા, આત્મારામ પરમાર