વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરનાં પિતાની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વહીવટી વોર્ડ.નં 7 નાં મહિલા કાઉન્સિલર ભુમિકા રાણાનાં પિતાએ પાલિકાની વોર્ડ ઓફિસમાં ઘસી જઇ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે તકરાર કરી અપશબ્દો બોલતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી પાલિકાની વહીવટી વોર્ડ નં.7ની કચેરી ખાતે મહિલા કાઉન્સિલર ભુમિકા રાણાનાં પિતા નરેશ રાણાએ તેમનાં વિસ્તારમાં સફાઇ બાબતે વોર્ડ ઓફિસનાં સફાઇકર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે માથાકૂટ કરી હતી.વહીવટી કચેરી ખાતે પોતાની કાઉન્સિલર પુત્રી સાથે ધસી જઇ નરેશ રાણાએ સેનેટરી ઇન્સપેક્ટર કલ્પેશ મકવાણા સાથે તકરાર કરી હતી.પુત્રી કાઉન્સિલર હોવાનો રોફ જમાવી નરેશ રાણાએ ઉગ્ર બોલાચાલી કરી સેનેટરી ઇન્સપેક્ટરને ગાળો ભાંડતાં મામલો ઉગ્ર બન્યો હતો.ભાજપનાં મહિલા કાઉન્સિલરનાં પિતાની ઉદ્ધતાઇ અને ગેરવર્તુણુંકને પગલે સેનેટરી ઇન્સપેક્ટર આ મામલે પોલીસ ફરિયાદ કરવાં કારેલીબાગ પોલીસ મથકે ધસી ગયાં હતાં.પિતા સામે પોલીસ ફરિયાદની તજવીજ થતાં કાઉન્સિલર ભુમિકા રાણા પણ પોલીસ મથકે પહોંચ્યાં હતાં.તેમની સાથે પોતાનાં સાથી કાઉન્સિલરનાં પિતાને બચાવવા વોર્ડનાં જ ભાજપનાં વિવાદિત મહિલા કાઉન્સિલર શ્વેતા ચૌહાણ તેમજ વોર્ડનાં ભાજપનાં હોદ્દેદારો પણ પોલીસ મથકે દોડી ગયાં હતાં. સરકારી અધિકારી સાથે સામે રોફ જમાવનાર કાઉન્સિલરનાં પિતાને બચાવવા સમાધાનકારીની ભુમિકા ભજવી હતી.જો કે, અંતે સમાધાન થયું હતું.
અત્રે નોંધનીય છે કે અગાઉ પણ ગંદકી મુદ્દે ભૂમિકા રાણાના પિતાએ વોર્ડ ઓફિસમાં જઈ કચરો ઠાલવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.આ ઘટના સમયે સ્થળ પર હાજર વોર્ડ ઓફિસર મગનભાઇ વણઝારાએ મહિલા કાઉન્સિલરના પિતાના વર્તન સામે નારાજગી દર્શાવી છે.