નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ(JDU)ના ધારાસભ્ય ગોપાલ મંડલની એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. તેઓ ગુરુવારની રાતે પટના(રાજેન્દ્ર નગર)થી નવી દિલ્હી જઈ રહેલી 02309 તેજસ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ટ્રેનમાં માત્ર ગંજી અને અન્ડરવેરમાં જ ફરતા જોવા મળ્યા હતા.સાથી પ્રવાસીઓએ જ્યારે આ અંગે વાંધો ઉઠાવ્યો તો તેમને ગાળો બોલવા લાગ્યા.
ધારાસભ્યે ચાલુ ટ્રેનમાં ખૂબ જ હોબાળો કર્યો.મુસાફરોએ આ અંગે ફરિયાદ કરતાં RPFની ટીમ પહોંચી હતી.આ અંગે તેમને સમજાવવામાં આવ્યા પછી ધારાસભ્ય તેમના A-1 કોચમાં ચાલ્યા ગયા હતા.
ટોઇલેટમાંથી પરત ફર્યા તો તેમનાં કપડાં ઊતરી ગયાં હતાં
ધારાસભ્ય ગોપાલ મંડલ અને તેમના સાથી સીટ નંબર 13,14 અને 15માં મુસાફરી કરી રહ્યા હતા.તેઓ ટોઇલેટમાંથી પરત ફર્યા તો માત્ર ગંજી અને અન્ડરવેરમાં હતા.આ અંગે 22-23 નંબરની સીટ પર બેઠેલા મુસાફર પ્રહ્લાદ પાસવાને વાંધો વ્યક્ત કર્યો હતો.પાસવાન તેમના પરિવાર સાથે હતા. તેમણે કહ્યું હતું કે અહીં મહિલાઓ પણ બેઠી છે, આવા સંજોગોમાં તમારે મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. આ અંગે ધારાસભ્યએ માફી માંગવાની જગ્યાએ ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.
પહેલાં પણ ચર્ચામાં રહ્યા છે ગોપાલ મંડલ
RPFના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રહ્લાદે કોઈ લેખિત ફરિયાદ કરી નથી.ગોપાલ મંડલ તેમના આવા વર્તનથી ચર્ચામાં રહ્યા છે.તાજેતરમાં જ તેમણે બિહારના ડેપ્યુટી સીએમ તારાકિશોર પ્રસાદ પર ગેરકાયદે કલેક્શન કરવાનો આરોપ લગાવ્યો હતો, પછી થોડા દિવસ પછી પ્રેસ-કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમને આઈ લવ યુ કહેતા જોવા મળ્યા હતા.