આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસના દિવસે સોમનાથ ભાવિકોનું ઉમટયું ઘોડાપુર,વીર હમીરજી ગોહિલ શર્કલથી સોમનાથ મંદિર સુધી લાંબી કતાર લાગી છે.ત્યારે સોમનાથ નજીક ત્રિવેણી સંગમ ખાતે પણ લોકોનો મેળાવડો જામ્યો છે.પ્રવિત્ર શ્રાવણ માસ અને સોમવતી અમાસના દિવસે પિતૃ કાર્ય કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.
સોમનાથના સ્થાનીક તીર્થ પુરોહીત, કામિત ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, શિવ એટલે કલ્યાણ અને શંકર એટલે કલ્યાણ કરવાવાળા તેમજ શંભુ એટ્લે વિશ્વની લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખૂટ ભંડાર.જગતની પાલનકર્તા ઉર્જાનો ઉદભવ પ્રભાસક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરુપમાં થયો તે અરબી સમુદ્રના કિનારે બીરાજમાન શ્રીસોમનાથ મહાદેવ વિશ્વનુ પ્રથમ જ્યોતિર્લંગ છે.આવીજ રીતે આ પવિત્ર ધરતી પર કૃષ્ણ ભગવાને 56 કોટિ યાદવોનો ઉધ્ધાર કરવા માટે પવિત્ર ત્રીવેણી સંગમના કિનારે શ્રાધ્ધકર્મ કર્યુ હતુ.
કૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો. જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે.અહીં સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં વિદીત છે.આ પવિત્ર ભુમીમાં પ્રસ્થાપીત આધ્યાત્મિક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિકભક્તો પ્રસન્નતા પ્રાપ્ત કરે છે.કોઇ રોગના નીવારણ માટે કોઇ દરીદ્રતાના નીવારણ માટે તો કોઇ આરોગ્યની સુખાકારી માટે આજ મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પિતૃઓને યાદ કરી પવિત્ર ત્રીવેણી સંગમમાં સ્નાન કરી યથા યોગ્ય દાન પુણ્ય કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.ત્યારે દૂર દૂરથી આજ ના દિવસે મોટી સંખ્યામાં લોકો ત્રિવેણી ઘાટ ખાતે સ્નાન કરી પોતાના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરાવવા એકઠા થયા હતા.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સુંદર યોગ છે. સોમવતી અમાસ અને શ્રાવણના છેલ્લા દિવસને કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભારે ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે 4 વાગ્યે ભાવિકો માટે મહાદેવનું મંદિર ખુલતાની સાથેજ દૂર દૂર સુધી ભાવિકોની કતાર લાગી હતી.તો સાથે ચાલુ વર્ષે પ્રથમવાર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મેઘરાજા પણ જાણે મહાદેવને જળાભિષેક કરવા માટે પધાર્યા હોય તેમ વહેલી સવારથી ધીમીધારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યો હતો.


