– બેંકથી વધુ વ્યાજની લાલચે નાનાં રોકાણકારોના રૂ. 42 કરોડ ઓળવી જવાયા છે
– નવા કાયદા મુજબ મિલ્કતો ટાંચમાં લેવા આદેશ : દસ્તાવેજ મુજબ તો 12 જમીન-મકાનોની કિંમત ફકત રૂ. 91.74 લાખ પણ બજાર કિંમત 8.11 કરોડ
રાજકોટ, : રાજકોટની શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું નાણાંકીય ઉચાપત કૌભાંડ બહાર આવ્યાના આઠે’ક મહિના બાદ અંતે ગૃહ વિભાગે આ મંડળીના પ્રમોટર સહિત કૌભાંડકારોની મિલ્કતો ટાંચમાં લેવા આદેશ કર્યો છે. ૨૩૬૫ રોકાણકારો-થાપણદારોની રૂ. ૪૧.૯૮ કરોડથી વધુ રકમ ઓળવી ગયેલા સંજય હંસરાજ દુધાગરા,ગોપાલ લક્ષ્મણ રૈયાણી અને વિપુલ રતીલાલ વસોયા સામે આઇ.સી.પી. તથા જી.પી. એકટ ઉપરાંત ધ ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર (ઇન ફાયનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) એકટ અન્વયે પણ એફ.આઇ.આર. નોંધાઇ હોવાથી આરોપીઓ તેમજ તેના કુટુંબીજનોના નામ પરના જમીન-મકાન ટાંચમાં લેવાની તજવીજ શરૂ થઇ ગઇ છે.
પ્રારંભે શ્રી હરિપ્રસાદ શરાફી સકારી મંડળીના બચત કલેકશન એજન્ટ તરીકે મંડળીમાં બચત કરતા થાપણદારો સાથેના સબંધનો લાભ લઇને કૌભાંડકારોએ વર્ષ ૨૦૦૯માં સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી નોંધણી પ્રમાણપત્ર મેળવી લઇ શ્રી રામેશ્વર સરાફી સહકારી મંડળી સરૂ કરી હતી. તેમાં દૈનિક બચત પર વર્ષે ૬ ટકા તેમજ એક વર્ષની ફિક્સ ડિપોઝીટ બદલ ૧૨ ટકા, ૧૩ ટકા અને ૧૮ ટકા જેવું તગડું વ્યાજ આપવાનો ઉપરાંત, ૬૫ મહિનામાં જ નાણા બમણાં કરી આપવાનો વાયદો અપાયો હતો.
રાજકોટમાં નિમ્ન-મધ્યમ વર્ગના અનેક માણસો આ લોભામણી સ્કીમો હેઠળ પોતાની પરસેવાની મૂડી રોકતા ગયા પરંતુ એક તબક્કે સૂત્રધાર સંજય દુધાગરા અને તેના સાગરીતોએ પોત પ્રકાશ્યું હતું. વ્યાજ તો દૂર, મુદ્દલ પણ પરત નહીં અપાતા તા. ૩૧-૧૨-૨૦૨૦ના રોજ સંજય જેન્તીલાલ સોજીત્રા નામના ફરિયાદીની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧, જીપીઆઇડી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં રાજ્યના ગૃહ વિભાગે અને સી.આઇ.ડી. (ક્રાઇમ) ના પોલીસ મહા નિર્દેશકે રાજકોટ શહેર પોલીસને સૂચના મોકલી છે કે રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી આ કિસ્સામાં કોમ્પીટન્ટ ઓથારિટી તરીકે આરોપીઓની મિલ્કતો ટાંચમાં લેવા ાદેશ થયો છે. તેમાં રાજકોટ અનેજામનગર જિલ્લામાં આવેલ ખેત જમીન, રહેણાંક પ્લોટ અને મકાન સહિત ૧૨નો સમાવેશ થાય છે.દસ્તાવેજો મુજબ તો તેની કિંમત ફકત રૂ. ૯૧.૭૪ લાખ થાય છે પરંતુ બજારભાવ પ્રમાણે અંદાજે રૂ. ૮.૧૧ કરોડ આંકવામાં આવે છે.આ પૈકી રાજકોટ શહેરના નાનામવા વિસ્તાર ખાતેનું સૂત્રધાર સંજય દુધાગરાનું રૂ. અઢી કરોડનું મકાન આગામી બુધવારે ટાંચમાં લેવાશે તેમ પ્રંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું.


