– અન્ય પક્ષના કાર્યકરોની ભાજપમાં ભરતી કાર્યક્રમ સામે જુના કાર્યકરોની નારાજગી
– ભાજપને પોતાના કાર્યકરો પર વિશ્વાસ નથી, અન્યપાર્ટીના કોઈ પણ કાર્યકર ચાલે જેવો આક્રોશ
સુરત,તા.7 સપ્ટેમ્બર : ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપમાં કાર્યકર ભરતી કાર્યક્રમ સામે જુના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.જે પક્ષના કાર્યકરો સામે ભાજપના પાયાના કાર્યકરો લડતા હતા તેને જ પક્ષમાં ભરતી કરવામાં આવતાં હવે કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે.ભાજપના કાર્યકરો જેની સામે આક્રમકતાથી ઝઝુમ્યા હતા તેવાન ભાજપમાં સ્થાન મળતા કાર્યકરો હવે ખુલીને સોશ્યલ મિડિયા પર વિરોધ કરી રહ્યાં છે.
પાલિકાની ચુંટણી સહિત અનેક ચુંટણીમાં ભાજપ સામે લડતાં લિંબાયત વિસ્તારના છગન મેવાડાને ભાજપમાં પ્રવેશ આપવાની સાથે જ પરવટ- લિંબાયત વિસ્તારના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.ભાજપના માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે છગન મેવાડાને ભાજપમા પ્રવેશ આપવાની સાથે જ સોશ્યલ મિડિયા પર જે પોસ્ટ મુકી હતી તે કાર્યકરોમાં આગની જેમ વાઈરલ થઈ રહી છે.રાજુ અગ્રવાલે લખ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીમાં ભરતી અભિયાન ચાલુ છે,કોઈ પાછળનો ઈતિહાસ જોવામાં આવતો નથી. કોઈ પણ પાર્ટીના હોય તે ચાલશે.કેવો પણ કાર્યકર હોય બસ ભાજપમાં ભરતી થઈ જાવ. આ ઉપરાંત ભાજપને પોતાના કાર્યકરોમાં વિશ્વાસ નથી તેવી પોસ્ટ મુકી હતી.અત્યાર સુધી ભાજપના નેતાઓની બીકના કારણે આ પ્રવેશોત્સવ સામે કોઈ વિરોધ કરવામાં આવતો ન હતો.પરંતુ માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલની સોશ્યલ મિડાયા પરની પોસ્ટના કારણે કાર્યકરોની હિંમત ખુલી રહી છે અને તેઓ વિરોધ કરી રહ્યાં છે.
છેલ્લા ઘણાં વખતથી ભાજપમાં જુથબંધી ચાલી રહી છે પરંતુ કોઈ ખુલીને બોલતું નથી.થોડા દિવસ પહેલાં લિંબાયતમાં એક કાર્યક્રમમાં ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલને બદલે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના ફોટા મુકાતા હિંમત બેલડીયાએ લિંબાયતનો આ વિસ્તાર ચોર્યાસી વિધાનસભામાં આવે છે અને ચોર્યાસી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય છે તેવા પ્રશ્નાર્થ સાથેની પોસ્ટ મુકી હતી.ત્યાર બાદ હાલમાં ભાજપ સામે લડતાં છગન મેવાડાના ભાજપમાં પ્રવેશ સમયે માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે મુકેલી પોસ્ટ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે.લિંબાયત વિસ્તારમાં જુથબંધી ખુલીને આવી રહી છે જેમાં સંગીતા પાટીલ સામે કાર્યકરો બાંય ચઢાવી રહ્યાં છે.આગામી દિવસોમાં આ જુથબંધી વધુ આક્રમક રીતે બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.