કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા.રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમના બહેન ના ત્યાં ગયા હતા, ત્યારબાદ આજે સવારે રવાના થઈ ગયા હતા,સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
28 ઓગષ્ટથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગષ્ટથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા.આ દરમ્યાન તેમણે પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.તેમજ અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કોરોનાનો પ્રથમ ડોઝ સમગ્ર જિલ્લાના લોકોને લાગી જાય તેવું આયોજન કરવા માટે પણ વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા હતા.
તળાવોના બ્યુટીફીકેશન માટે પણ અનેક સૂચનો કર્યા હતા
અમદાવાદ શહેરના તળાવોના બ્યુટીફીકેશન માટે પણ અનેક સૂચનો કર્યા હતા.તેમજ તળાવમાં ઠલવાતા ગટર પાણીને બંધ કરીને તેની સ્થાને નર્મદાના નીરથી તેને ભરવા માટે સૂચન કર્યા હતા.આ ઉપરાંત તેમણે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસ્ક્રોઈ તાલુકાની સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.