સાવ અજાણ્યા ભૂપેન્દ્ર પટેલને મોદીએ ઉંચકીને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીએ બેસાડી દીધા. ધારાસભ્યો અને સંસદસભ્યો તથા મંત્રીઓ તો ઠીક ખૂદ ભૂપેન્દ્ર પટેલને પણ ખબર નહોતી કે તેમને ગુજરાતના સિંહાસન પર આરૂઢ કરી દેવામાં આવશે.જોકે, તેઓ જે રીતે કોટ પહેરીને બેઠકમાં હાજર રહ્યા હતાં તે ઉપરથી એવું માની શકાય કે બપોરે તેમને જાણ કરી દેવામાં આવી હોવી જોઇએ.મુખ્યમંત્રી પસંદ કરવાની આ રીત બરાબર નથી.લોકશાહીમાં ધારાસભ્યો મુખ્યમંત્રીને પસંદ કરતા હોય છે.
દાયકાઓથી રાજકીય પક્ષો મુખ્યમંત્રી તરીકે પોતાની પસંદનો ધારાસભ્ય નકકી કરીને પછી ધારાસભ્યો પાસે હા પડાવી લેતી આવી છે. પણ આ રીતે આખું રાજ્ય જેનાથી અજાણ્યું હોય તેવા વ્યક્તિને પદ પર બેસાડી દેવાનું નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં શૂરૂ થયું છે.એન્ટી ઇન્કમ્બાન્સી દૂર કરવા માટે ભાજપે ટાઇમ ટેસ્ટેડ ફોર્મ્યુલા અપનાવી છે કે મુખ્યમંત્રીનું એકાદ વર્ષ બાકી હોય ત્યારે તેને બદલી નાખવા તેથી નવા માણસને જૂના વ્યક્તિના કૃત્યોનું ભારણ ઉઠાવવાનું રહેતું નથી. પણ દરેક વખતે આ ફોર્મ્યુલા કામમાં આવતી નથી. રાજકીય ગણતરીઓ ગમે તે હોય, ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલાયા છે અને એ બહાને આખા રાજ્યમાં તાયફા થશે, જે રીતે સીઆર પાટિલની તાજપોશી વખતે થયા હતાં.
નવા મુખ્યમંત્રીના આગમન સાથે જ નવાં પ્રધાનોનાં ખાતાંઓમાં ધરખમ ફેરફાર થશે અને નવા ચહેરાઓ પણ જોવા મળશે. એવું નથી કે ભૂપેન્દ્ર પટેલ પોતાની પસંદના વ્યક્તિઓને કેબિનેટમાં લેશે.એ બધા નામ તો ઉપરથી જ આવશે. જેના પર ભૂપેન્દ્ર પટેલે મત્તું મારવાનું જ રહેશે. એક મુદ્દો નાયબ મુખ્યમંત્રીનો છે.નીતિન પટેલ હવે નાયબ મુખ્યમંત્રીપદે નહીં રહે. રવિવારે મુખ્યમંત્રીનું નામ જાહેર થયું તે પછી રીસાઇને મહેસાણા ચાલ્યા ગયેલા નીતિન પટેલ સોમવારે સવારે માની ગયા હતાં અને ભૂપેન્દ્ર પટેલને માર્ગદર્શન આપવાનું સ્વીકાર્યું હતું.માર્ગદર્શન આપવાનો અર્થ અડવાણી જેવા માર્ગદર્શક મંડળવાળા થાય છે કે કેમ તે સ્પષ્ટ નથી પરંતુ ત્રણ વખત મુખ્યમંત્રી ન બનાવાયા પછી નીતિન પટેલ ભૂપેન્દ્રભાઇની કેબિનેટમાં રહે તેવું લાગતું નથી. તેમને કોઇ બંધારણીય પદ આપવામાં આવે એવી સંભાવના વધુ છે.નીતિન પટેલની સાથે જ ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રીનું પદ પણ જતું રહેવાની શકયતા વધુ છે.જાતિગત સમીકરણો માટે જો ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવે તો ઓબીસીને પદ મળે તેવી સંભાવના વધુ છે.અને નાયબ મુખ્યમંત્રીના પદ માટે પણ કોઇ સાવ અજાણ્યું જ નામ આવે તો નવાઇ નહીં.ગુજરાતમાં હવે કોઇને પણ ગાદીએ બેસાડી દેવામાં આવે તો આશ્ર્ચર્ય નથી થતું.