ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં નવા ચહેરાને સ્થાન સાથે મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યાં છે.નવી સરકારમાં 22 થી 25 નવા મંત્રીઓ આવી શકે છે.નામોની ચર્ચા માટે આજે મુખ્યમંત્રીના બંગલે આખો દિવસ મેરેથોન બેઠકો યોજાઇ રહી છે જેમાં કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓની ઉપસ્થિત રહ્યાં છે.
કેબિનેટના સભ્યોમાં કોનો સમાવેશ કરાશે અને ક્યા મંત્રીને ડ્રોપ કરવાના છે તેનો નિર્ણય ભાજપના સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી બી સંતોષ અને ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવ્યો છે.મોડી રાત્રે અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આ બન્ને મહાનુભાવો હાજર રહ્યાં હતા.કેબિનેટની રચનામાં વિસ્તાર અને જ્ઞાતિને પ્રભુત્વ આપવાનું હોવાથી ખૂબ ચોકસાઇ રાખવામાં આવી રહી છે.નવા મંત્રીમંડળમાં બે મહિલાઓ હોવાની પણ સંભાવના છે.નવા 15 જેટલા ચહેરા આવી શકે છે. નબળા પરફોર્મન્સ અને વિવાદમાં રહેલા મંત્રીઓને ઘરભેગા થવું પડે તેમ લાગી રહ્યું છે.પાર્ટીના સૂત્રો કહે છે કે નવા મંત્રીમંડળની રચનામાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનો હાથ ઉપર રહેશે.તેમના સમર્થક ધારાસભ્યોને તક મળે તેવી સંભાવના વધી ગઇ છે.
ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ત્રણ રાજ્યોમાં લેવામાં આવેલા નિર્ણયોની અસર અન્ય રાજ્યો અને કેન્દ્ર સ્તરે પણ જોવા મળી રહી છે.બદલાવોથી અસહજ નેતોઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે, પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિર્ણયો પાર્ટીના હિતમાં અને રણનીતિને આધારે લેવામાં આવી રહ્યાં છે.પાર્ટી નિશ્ચિંંત છે કે, થોડો સમય કોઇ નેતામાં નારાજગી હોય તે સ્વાભાવિક છે પરંતુ તેની કોઇ વધારે અસર જોવા નહી મળે. તેમ છતાં પણ પાર્ટી પોતાની રીતે સંપૂર્ણપણે સતર્ક છે.
ભાજપમાં અસંતોષના કારણે પક્ષને નુકસાન ન થાય તે માટે નેતાઓને સાથે સતત સંકલન ચાલુ રાખવામાં આવે છે.જે નેતા સંપૂર્ણ પાર્ટી લાઇનથી અલગ જાય તેને હાંકી કાઢવામાં આવે છે અથવા તેને પક્ષ છોડવા માટે મજબૂર કરવામાં આવે છે.જે નેતાઓ તાજેતરના નિર્ણયોને લઇ નારાજ છે તેમની સાથે સંવાદ કરવામાં આવશે.


