ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળે આજે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત રાજભવનમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને શપથ લેવડાવ્યા છે.મોટી વાત એ છે કે નવા મંત્રીમંડળમાં કોઈ જૂના મંત્રી નથી. ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ નવા મંત્રીમંડળ પર વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકારે બિનઅનુભવી ડ્રાઈવરના હાથમાં ગાડી આપી, ગુજરાતની સાડા 6 કરોડની જનતાને નોધારી મૂકી દીધી છે.
વહીવટને વધારે કથળતો કરવા માટેનો પ્રયત્ન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિનઅનુભવી માણસોની નિમણુંક કરીને કથળેલા વહીવટને વધારે કથળતો કરવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે,તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અમારા જૂના ચાર મિત્રોને ભારતીય જનતા પાર્ટીએ આ પ્રધાન મંડળની અંદર સમાવ્યા છે.એ પણ ગુજરાતની પ્રજા જોઈ રહી છે.
‘નો રિપીટ થિયરી’ અંતર્ગત તેમની પણ ટિકિટ કપાઈ જશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પક્ષપલટો કરનારા જે લોકોનો સમાવેશ કરવામાં નથી આવ્યો તે લોકો સત્તાના મોહમાં ભાજપમાં પડ્યા રહેશે તો ભવિષ્યમાં ‘નો રિપીટ થિયરી’ અંતર્ગત તેમની પણ ટિકિટ કપાઈ જશે.કોગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં અમારા ઘણાં મિત્રો ગયા છે.હવે તેમને ત્યાં સ્થાન નથી મળી રહ્યું, માટે જો તેઓ ફરીથી કોંગ્રેસમા જોડાવવા ઇચ્છતા હશે તો પાર્ટી હાઈકમાન્ડ પોઝીટીવ વિચાર કરશે. આ વાત સો ટકા નિશ્ચિત છે.
પૂર્વ મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં
ઉલ્લેખનીય છે કે આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ,ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી, બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ,અગ્ર સચિવઓ,પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.


