– નવા પ્રધાનમંડળમાંથી પત્તું કપાયાના સંકેતથી પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો
– ભાજપ અને કોંગ્રેસે હજુ ઉમેદવાર નકકી નથી કર્યા આજે બેઠક, શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
રાજકોટ : કોળી સમાજનાં નેતા કુંવરજી બાવળીયાનું નવા પ્રધાનમંડળમાં પતુ કપાઈ રહયાનાં સકંતોથી તેઓ ભારે નારાજ થયા છે તેમના મત વિસ્તાર જસદણ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણીની જવાબદારીમાંથી હાથ ખંખેરી લઈને જિલ્લા સંગઠનને સોંપવા પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે.હાલ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય હજુ ભાજપે ઉમેદવાર ફાઈનલ કર્યા નથી.
રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર અને સાણથલી બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 18 છે હવે ત્રણ દિવસ બાકી હોવા છતાં ભાજપે આ બંને બેઠકો પર ઉમેદવાર પસંદ કર્યા નથી.કુંવરજી બાવળીયાએ પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને તા. 10 મીએ મત વિસ્તારમાં બેઠકો કરી હતી દરમિયાન તા. 11 મીએ પક્ષનો આદેશ આવતા તેઓ તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હતા.રૂપાણી સરકારમાં તેઓ કેબીનેટ મંત્રી હતા હવે નવા પ્રધાનમંડળમાં તેઓને પડતા મુકવામાં આવી રહયાનાં સંકેતો મળી રહયા હોય નારાજ થયા છે.
કુંવરજી બાવળીયાએ તા. 14 મીએ પ્રદેશ પ્રમુખ પાાટીલને પત્ર લખ્યો છે. તા. 11 મીથી ગાંધીનગરમાં હાજરી હોવાને કારણે જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણીની પસંદગી બાબતે યોગ્ય નિર્ણય લઈ શકાય તેમ ન હોય જિલ્લા – તાલુકા સંગઠનનાં હોદેદારોને ઉમેદવાર પસંદગીથી માંડી ચૂંટણીની તમામ પ્રક્રિયાની જવાબદારી સોંપવા અંગેની સૂચના આપવા અનુરોધ કર્યો છે.
આ પત્રને લઈને જિલ્લા ભાજપમાં ભારે ચર્ચા જાગી છે. જિલ્લા ભાજપનાં હોદેદારોએ આવતીકાલે એક બેઠક બોલાવી છે અને ઉમેદવાર ફાઈનલ કરી શુક્રવારે ફોર્મ ભરે તેવી શકયતા છે.બાવળીયાની નારાજગીથી ભરત બોઘરા જૂથને હવે મોકળુ મેદાન મળ્યુ છે.બીજી તરફ કોંગ્રેસે પણ આવતીકાલે ગુરૂવારે આટકોટમાં એક બેઠકનું આયોજન કર્યુ છે.પ્રભારી અને જિલ્લાનાં આગેવાનો બંને બેઠકનાં ઉમેદવાર ફાઈનલ કરશે તેવુ અનુમાન છે.સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે પરંતું હજુ એક પણ ફોર્મ ભરાયુ નથી.શનિવારે છેલ્લો દિવસ છે.