– SCO ગ્રુપમાં ચીન, કઝાકિસ્તાન, કીર્ગિસ્તાન, રૂસ, તાજીકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન સામેલ
નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર : વડાપ્રધાન મોદીએ શુક્રવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની બેઠકને સંબોધિત કરી હતી.વડાપ્રધાને જણાવ્યું કે, આપણા ક્ષેત્ર માટે કટ્ટરતા એ બહું મોટો પડકાર છે, અફઘાનિસ્તાનમાં તાજેતરમાં જે બન્યું તે આનું ઉદાહરણ છે.ઉલ્લેખનીય છે કે, આ વખતે આ બેઠક તાજીકિસ્તાનના દુશામ્બે ખાતે યોજાઈ રહી છે.
વડાપ્રધાને આ દરમિયાન તાજીકિસ્તાનને તેની આઝાદીના 30 વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.આ ઉપરાંત તેમણે ઈરાન,સાઉદી અરેબિયા,મિસ્ત્ર અને કતારનું SCO ગ્રુપમાં સામેલ થવા અંગે સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, નવા સદસ્યોના કારણે આપણું ગ્રુપ વધારે મજબૂત બની રહ્યું છે.
‘કટ્ટરતા વિશ્વ માટે મોટો પડકાર’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણા ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર શાંતિ-સુરક્ષા સાથે સંબંધિત છે. અફઘાનિસ્તાનના વર્તમાન ઘટનાક્રમે આ પડકારને સ્પષ્ટ કરી દીધો છે. SCO સમિટે કટ્ટરતાનો સામનો કરવા માટે પગલા ભરવા જોઈએ,ઈસ્લામ સાથે સંકળાયેલી જેટલી પણ સંસ્થાઓ છે તેમના સાથે સંબંધ બનાવવા જોઈએ અને આગળ કામ કરવું જોઈએ.
વધુમાં જણાવ્યું કે, ભારતે જે કેલેન્ડર પ્રસ્તાવિત કર્યા છે તેના પર કામ જરૂરી છે. કટ્ટરતા સામે લડાઈ, ક્ષેત્રીય સુરક્ષા માટે આવશ્યક છે અને સાથે જ યુવાનોના ભવિષ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે.વિકસિત વિશ્વની સાથે પ્રતિસ્પર્ધા માટે આપણે સ્ટેકહોલ્ડર બનવું પડશે.
‘અંદરોઅંદર ઓપનસોર્સ શેર કરવા જરૂરી’
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારતે પોતાના ત્યાં થયેલા પ્રયોગોને વિશ્વ સાથે શેર કર્યા છે, SCO દેશોએ પણ પોતાના વચ્ચે ઓપનસોર્સનું આદાન-પ્રદાન કરવું જોઈએ.સેન્ટ્રલ એશિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે.આ દેશોને ભારતના બજાર સાથે જોડાઈને લાભ થઈ શકે છે.ઈરાનના ચાબહાર પોર્ટમાં અમારૂં રોકાણ આ વાસ્તવિકતાથી જ પ્રેરિત છે.કનેક્ટિવિટીની કોઈ પણ પહેલ વન-વે ન હોઈ શકે, તે પારદર્શી બને તે જરૂરી છે જેમાં દરેકની ભાગીદારી છે.
વિદેશ મંત્રી દુશામ્બેમાં ઉપસ્થિત
આ બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અને ત્યાં તાલિબાનની સરકાર બનવા અંગે પણ મહત્વની ચર્ચા થઈ હતી.ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર પહેલેથી જ દુશામ્બેમાં ઉપસ્થિત છે. એસ. જયશંકરે દુશામ્બેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીની મુલાકાત લીધી હતી અને બંને દેશ વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. તે સિવાય જયશંકરે ઈરાન, અર્મેનિયા અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓની પણ મુલાકાત લીધી હતી.
બેઠકમાં કોણ સામેલ થશે?
SCO ગ્રુપમાં કુલ 8 દેશ સામેલ છે. ભારત અને પાકિસ્તાનને 2017ના વર્ષમાં જ આ ગ્રુપમાં જોડવામાં આવ્યા છે. તેમાં ચીન,કઝાકિસ્તાન,કીર્ગિસ્તાન,રૂસ,તાજીકિસ્તાન,ઉઝબેકિસ્તાન,ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.