વલસાડ : દમણથી વલસાડ અને સુરતમાં આવતો દારૂ અનેક વખત ઝડપાયો છે.એમાં પણ ખાસ કરીને તહેવારની મૌસમમાં આ રૂટ પર અનેક ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે. જેમાં ક્યારેક દારૂનો મોટો સ્ટોક ઝડપાય છે.પણ વલસાડ શહેરમાં દમણથી દારૂ ભરીને આવતા એક કાર ચાલકે પોલીસ પર કાર ચડાવી દીધી હતી.જ્યારે આ કારને રોકવામાં આવી ત્યારે પોલીસ કર્મચારીની હત્યા કરવાના ઈરાદાથી કાર હંકારી મૂકી હતી.પછી ફરાર થઈ ગયા હતા.આ બંને યુવાનો સુરતના હોવાનું જાણવા મળ્યું છે.આ બંને યુવાન સામે વલસાડ પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી કરતા જયંતીભાઈ ભૂનેતર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ડ્યૂટી પર હતા ત્યારે વાપી બાજુથી પુરપાટ વેગે આવતી કારને રોકવા માટે ઈશારો કર્યો હતો.એ પછી કારની તપાસ કરતા કારમાંથી આઠ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.તેથી કારમાં બેઠેલા યુવકો જયેશ ઈશ્વરભાઈ પટેલ અને અરૂણ પટેલને દારૂના જથ્થા પાસે વલસાડ પોલીસે પકડી લીધા હતા.એ વખતે પોલીસ સ્ટેશન પાસે ગાડીમાંથી ઊતરતા સમયે ગાડીને પુરપાટ વેગે ચલાવીને વલસાડના રસ્તા પર ગાડી ભગાવી દીધી હતી.પોલીસે પીછો કરતા ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી કારને આગળ કોન્સ્ટેબલે રોકવા માટે ફરી ઈશારો કર્યો હતો.પણ આરોપીઓએ કોન્સ્ટેબલ પર કાર ચલાવી દીધી હતી. હત્યા કરવાના ઈરાદે કાર હંકારી હોવાનું સામે આવ્યું છે.કારને રોકવા માટે કોન્સ્ટેબલ એની કારના બોનેટ પર લટકી ગયા હતા.તેમ છતાં આરોપીઓ પુરપાટ વેગે ગાડી ચલાવતા હતા.જેના કારણે કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે.આરોપીઓ ફરાર થઈ ગયા હતા.વલસાડ પોલીસે પછી તપાસ કરતા જયેશ અને અરૂણ પટેલ નામના બે યુવાનોની ધરપકડ કરી છે.આ બંનેમાંથી એક યુવાન નોનવેજની લારી ચલાવે છે.જ્યારે એક સેલ્સમેનનું કામ કરે છે.બંને આરોપીઓ દમણ ફરવા માટે ગયા હતા.જ્યાંથી વિદેશી દારૂની આઠ બોટલ ખરીદી હતી.સુરત બાજુ જતા હતા ત્યારે વલસાડ પોલીસે એમને અટકાવ્યા હતા.પોલીસે આ બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.


