કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં માનસરોવર રેસિડેન્સીમાં બ્રાંડેડ કંપનીના વિદેશી દારૂની ખાલી બોટલમાં હલકી કક્ષાનો દારૂ ભરી રિપેકિંગ કરી વેચાણ કરવાના નેટવર્કનો સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે પર્દાફાશ કર્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે સમયે ASI મુકેશ જયદેવ અને હે.કો. અનિલ રામજીને સંયુક્ત રીતે બાતમી અલી હતી કે, કામરેજ તાલુકાનાં કઠોર ગામે આવેલ માનસરોવર રેસિડેન્સી, બિલ્ડીંગ નંબર બી 27 ફ્લેટ નંબર 203માં પ્રદીપસિંગ નામનો ઈસમ વિદેશી દારૂનો જથ્થો લાવી,અલગ અલગ મોંઘી બ્રાન્ડની બાટલીઓમાં દારૂનો જથ્થો ભરી તેનું રિપેકિંગ કરી વેચાણ કરે છે.આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કોટીયાનો રહેવાસી પ્રદીપ સંતોષ સિંગ ઠાકુર પોતાના ભાડાના ફ્લેટમાં વિદેશી દારૂની ભંગારમાં મળતી અલગ અલગ ઊંચી બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બાટલીઓમાં હલકી કક્ષાનો દારૂ ભરી તેના ઉપર કંપનીના ઢાંકણ તેમજ લેબલ મારી બોટલ સીલ કરતાં રંગે હાથ પકડાય ગયો હતો.પોલીસે તેની પાસેથી સીલ કરેલ કુલ 21 દારૂની બોટલ,છૂટો વિદેશી દારૂ 6 લિટર,અલગ અલગ બ્રાંડેડ કંપનીના ઢાંકણ,લેબલ અને ખાલી બોટલ, મોબાઇલ કિમત રૂ. 5 હજાર અને રોકડા રૂપિયા 6 હજાર મળી કુલ 34 હજાર 380 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


