– હું પહેલેથી જ નિશાના પર છુ : અસ્થાનાનો બળાપો
– કેટલાક સંગઠનો મારી પાછળ પડી ગયા છે અને મને ટાર્ગેટ કરી રહ્યા છે
નવી દિલ્હી : ભારતીય પોલીસ કેડર (આઇપીએસ)ના ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાએ દિલ્હી હાઇકોર્ટમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર તેમના સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.તેમણે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના વડા તરીકે તેમની નિમણૂકને પડકાર તે કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ છે અને તેના પાછળ બદલાની ભાવના છે. આ તેમની નિમણૂક સામે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે અસ્થાનાએ જણાવ્યું હતું કે તેમને સીબીઆઇના ખાસ ડાયરેક્ટર નીમવામાં આવ્યા ત્યારથી કેટલાક સંગઠને તેમને લક્ષ્યાંક બનાવી તેમની સામે અરજી કરી રહ્યા છે.
સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોમન કોઝ અને સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન નામના બે સંગઠન છે, જે વ્યવસાયિક ધોરણે જનહિત અરજી કરનારા છે અને જાહેર સેવાના એકમાત્ર સ્વરુપમાં ફક્ત કેસ કરવા માટે જ તે અસ્તિત્વ ધરાવે છે. એક કે બે વ્યક્તિ આ સંગઠનો પર ભારે અને વ્યાપક અંકુશની મદદથી તેને ચલાવી શકે છે.અસ્થાનાએ આગળ જણાવ્યું હતું કે કેટલાક પ્રત્યક્ષ અને પરોક્ષ કારણોથી તેમને સંગઠન ચલાવનારી વ્યક્તિઓએ તાજેતરના દિવસોમાં કોઈ બદલા કે કોઈ વ્યક્તિના ઇશારે મારા સામે કાર્યવાહી શરૃ કરી દીધી છે.
આ સોગંદનામુ મારી સામે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવ્યું છે.અરજીમાં માંગ કરવામાં આવી છે કે અસ્થાનાને દિલ્હી પોલીસના વડા બનાવવાનો ગૃહ મંત્રાલયનો ૨૭ જુલાઈનો આદેશ રદ કરવામાં આવે. અસ્થાનાએ જણાવ્યું હતું કે તેમની નિમણૂકના જમાઉધાર પાસા અંગે ફક્ત કેન્દ્ર સરકાર જ વિચાર કરી શકે છે.

