ઉત્તરપ્રદેશ,તા.22 સપ્ટેમ્બર : યુપીના સંભલ જિલ્લામાં AIMIMના અધ્યક્ષ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભા માટે લગાવવામાં આવેલા પોસ્ટરોથી વિવાદ જાગ્યો છે.
આ પોસ્ટરોમાં સંભલને ગાઝીઓની ધરતી ગણાવવામાં આવી છે.જેના પર વિવાદ જાગ્યો છે.ભાજપે આ પ્રકારના પોસ્ટરો સામે વાંધો ઉઠાવ્યો છે અને એ પછી પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે.ભાજપે કહ્યુ હતુ કે, સંભલ ક્યારેય ગાઝીઓની ધરતી નહોતી.આ ઓવૈસીનો ચૂંટણી સ્ટંટ છે અને તેમના ઈરાદાઓને અમે સફળ થવા નહીં દઈએ.હિન્દુસ્તાનનુ કોઈ શહેર ગાઝીઓનુ નથી અને અમે બનવા પણ નહીં દઈએ.
ભાજપે કહ્યુ હતુ કે, સંભલ એક પૌરાણિક શહેર છે અને જો કુરાનમાં તેનો ગાઝીઓની ધરતી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો હું રાજનીતિ છોડી દઈશ.ઉલ્લેખનીય છે કે, ઓવૈસીની પાર્ટી પહેલી વખત યુપી વિધાનસભામાં 100 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે અને તેને લઈને ઓવૈસી યુપીમાં અલગ અલગ જગ્યાએ જાહેર સભાઓ યોજી રહ્યા છે.


