– ઉમર ગૌતમ અને તેના સાથીદારોને બ્રિટિશ આધારીત સંસ્થા પાસેથી આશરે 57 કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું જેના ખર્ચનો હિસાબ આપવામાં આરોપી અસમર્થ રહ્યો
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશ ATSએ ધર્માંતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે.તે ગ્લોબલ પીસ સેન્ટરનો અધ્યક્ષ છે અને જમીયત-એ-વલીઉલ્લાહનો પણ અધ્યક્ષ છે.તેની મેરઠ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુફ્તી કાજી અને ઉમર ગૌતમની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. બંનેની લિંક કલીમ સિદ્દીકી સાથે મળે છે.એવો આરોપ છે કે, વિદેશથી કરોડો રૂપિયા કલીમ સિદ્દીકીના ખાતામાં આવ્યા હતા.
આ મામલે ઉત્તર પ્રદેશ ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી.તેમાં કહેવામાં આવ્યું હતું કે, મૌલાના કલીમ સિદ્દીકી પર હવાલા દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણ માટે ફન્ડિંગ ભેગું કરવાનો આરોપ છે.આરોપી મૌલાનાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે.મૌલીના કલીમ યુટ્યુબ દ્વારા પણ લોકોને ધર્માંતરણ કરવા માટે અને ધર્માંતરણના રેકેટમાં સામેલ થવા માટે પ્રેરિત કરતો હતો. તેણે જ અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા.
આરોપ પ્રમાણે મૌલાના કલીમ સિદ્દીકી લોકોને લાલચ આપીને ધર્માંતરણ માટે ઉશ્કેરતો હતો. તે પોતાનું ટ્રસ્ટ ચલાવવાની સાથે તમામ મદરેસાઓને પણ ફન્ડિંગ કરતો હતો.તેને હવાલા અને અન્ય ગેરકાયદેસર રીતે વિદેશથી ભારે ધનરાશિ મોકલવામાં આવતી હતી. ઉત્તર પ્રદેશ ATSના કહેવા પ્રમાણે મૌલાના કલીમ સિદ્દીકીના ખાતામાં 1.5 કરોડ રૂપિયા બહરીનથી આવ્યા હતા.તેના એકાઉન્ટમાં કુલ 3 કરોડ રૂપિયા આવ્યા હતા.
બ્રિટિશ સંસ્થા પાસેથી 57 કરોડનું ફન્ડિંગ
યુપી ADG પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે 20 જૂનના રોજ ગેરકાયદેસર ધર્માંતરણ જૂથ ચલાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.ઉમર ગૌતમ અને તેના સાથીદારોને બ્રિટિશ આધારીત સંસ્થા પાસેથી આશરે 57 કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું જેના ખર્ચનો હિસાબ આપવામાં આરોપી અસમર્થ રહ્યો હતો.
આ મામલે અન્ય 10 લોકોની પણ ધરપકડ કરવામાં આવેલી છે જેમાંથી 6 વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે અને 4 વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે.
અમાનતુલ્લાહ ખાનનો વિરોધ
અમાનતુલ્લાહ ખાને પોતાની ધરપકડ મામલે વિરોધ નોંધાવ્યો હતો.તેણે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા હવે મશહૂર ઈસ્લામિક સ્કોલર મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી છે,મુસલમાનો પરનો અત્યાચાર વધી રહ્યો છે.આ મુદ્દે સેક્યુલર પાર્ટીઓનું મૌન ભાજપને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

