ગુજરાતમાં લેન્ડટ્રોલીંગ એકટથી લઈને ‘પાસા’ના કાનુન સહિતના સતત દૂર ઉપયોગ અને કોરોના કામમાં રેમડેસીવીરના કાળાબજાર મુદે પણ મોટા માથાને છાવરીને નાના તબીબો પર કેસ કરી ધરપકડ કરવા સહિતના રાજય સરકારના વલણ સામે અનેક વખત આક્રોશ વ્યક્ત કરી ચુકેલી ગુજરાત હાઈકોર્ટે તાલુકા પંચાયતની ચુંટણીના કલાકો પુર્વે જ એક રાજનેતાની છેક 2012ના એક કેસમાં કરાયેલી ધરપકડ મુદે આક્રોશ વ્યક્ત કરતા રાજયમાં કાયદા વિહીન સ્થિતિ બની રહી હોવાની આકરી ટકોર કરી હતી.
મહેસાણા જીલ્લાના સતલાસણામાં તાલુકા પંચાયતની ચૂંટણીના 15 મીનીટ પુર્વે જ પોલીસે વસંતભાઈ જોષી નામના કોંગ્રેસના એક સભ્યની 2012ના એક જૂના કેસમાં ધરપકડ કરી હતી જેથી તેઓ મતદાન કરી શકે નહી અને સતા ભાજપને મળે તેમ હતી.તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી માટે મતદાન પુર્વે આ સ્થિતિ સર્જાઈ હતી.આ કેસમાં એફઆઈઆર પણ ચૂંટણીના એક દિવસ અગાઉ નોંધવામાં આવી હતી.તાલુકા પંચાયતમાં કોંગ્રેસના આઠ સભ્યો હતા અને ભાજપના સાત સભ્યો હતા તેથી સતા કોંગ્રેસના હાથમાં જવાની શકયતા હતી પણ મતદાન કરવા જઈ રહેલા જોષીને પોલીસે બુથ સુધી પહોચવા દીધા નહી અને જેલહવાલે કર્યા હતા. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી રીટમાં જસ્ટીસ જે.બી.પારડીવાલાએ આક્રોશ સાથે જણાવ્યું કે દેશમાં કાયદા જેવી પણ કોઈ ચીજ હોય છે પણ આપણે વર્તમાન સમયમાં કાનુની સ્થિતિ વગર જ જીવી રહ્યા છીએ.આજે હું સલામત નથી.તેમાં (ફરિયાદી) સલામત નથી અને મારી બાજુમાં બેસેલા મારા સાથી ન્યાયમૂર્તિ બહેન વી.ડી.નાણાવટી પણ સલામત નથી.કોઈ સલામત નથી તેથીજ આ રીટ સમયે સાંભળી રહ્યા છીએ.
ધરપકડ બાદ તાલુકા પંચાયતના સભ્ય જોષીએ આ મુદો ચુંટણી અધિકારી તથા અન્ય ચુંટણી પંચ સમક્ષ પણ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ પ્રતિસાદ ન મળ્યો. અદાલતે તેના પર ટીપ્પણી કરતા કહ્યું કે આ એક ષડયંત્ર જ હતું જેમાં સૌ સંડોવાયેલા છે.પોલીસે તેનો અમલ કર્યો.કારણ કે તાલુકા પંચાયતના સભ્યને મતદાન કરતા અટકાવવાના હતા. ખરેખર ચુંટણી રદ થવી જોઈએ અને ફરી યોજાવી જોઈએ પણ અમો તેમ કરશું તો તેઓ બીજા કોઈકને ઉઠાવી લેશે.