કેરાલામાં વધી રહ્યાં છે ‘તાલિબાન સમર્થક’, શિક્ષિત મહિલાઓ નિશાના પર : CPMના દસ્તાવેજમાં કરાયેલા ખુલાસાથી ચકચાર

182

કેરાલામાં તાલિબાનના સમર્થકો વધી રહ્યા છે તેવો ખુલાસો કેરાલાની ડાબેરી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા( માર્કસવાદી)ના આંતરિક દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે.આ દસ્તાવેજોનુ પાર્ટીએ પોતાના કાર્યકરોમાં વિતરણ કર્યુ છે.એક ન્યૂઝ ચેનલનુ કહેવુ છે કે, કેરાલામાં તાલિબાનનુ સમર્થન વધી રહ્યુ હોવાથી સીપીએમ ચિંતામાં છે.

તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જમાતે ઈસ્લામિ હિન્દ દ્વારા કોમી લાગણીઓને ભડકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ માટે સોશિયલ મીડિયા અને બીજા સાહિત્યનો ઉપયોગ થઈ રહ્યો છે.જમાતનો ઈરાદો ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે.સંસ્થા પોતાના વિચારો મુસ્લિમ સમુદાયની સાથે સાથે બીજા સમાજમાં ફેલાવવા માટે પણ પ્રયાસ કરી રહી છે.એટલુ જ નહીં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે પણ મતભેદો સર્જવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

સીપીએમના દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે, કેરાલામાં તાલિબાનને સમર્થનની ચર્ચા થઈ રહી છે તે ગંભીર ચિંતાનો વિષય છે.જ્યારે બીજી તરફ આખી દુનિયા તાલિબાનની નિંદા કરી રહી છે.ઉપરાંત ભણેલી ગણેલી મહિલાઓને પણ આ પ્રકારની વિચારધારા તરફ આકર્ષવા માટે પ્રયત્નો થઈ રહ્યો છે.

સીપીએમ દ્વારા આ પ્રકારના અભિયાન સામે પોતાના કાર્યકરોને એક થવા અપીલ કરાઈ છે અને સાથે સાથે કહેવામાં આવ્યુ છે કે, સંઘ પરિવારની કામગીરીના કારણે લઘુમતીઓમાં સાંપ્રદાયિક ભાવનાઓ વધી રહી છે.પોલિટ બ્યૂરોના સભ્ય એમ એ બેબીએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, એ વાત સાચી છે કે, અમે પાર્ટી દસ્તાવેજમાં કટ્ટરવાદ સામે ધ્યાન દોર્યુ છે પણ યુવાઓ અને વિદ્યાર્થીઓ કટ્ટરવાદી પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યા છે તે બાબતને સંઘ પરિવારની હિલચાલ સાથે પણ જોડીને જોવાની જરુર છે.આરએસએસ દ્વારા જે ગતિવિધિઓ થઈ રહી છે તેના જવાબમાં કટ્ટરવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે.આરએસએસ કટ્ટરવાદી હિલચાલ કરશે તો લઘુમતીઓ પણ તેની નકલ કરશે.

Share Now