ગાંધીનગર મહાનગર પાલિકાનો ચૂંટણી જંગ જીતવા માટે ભાજપ સહિત તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે,ત્યારે આજે ભાજપ દ્વારા ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા પોતાના ચૂંટણી મેનિફેસ્ટોને ‘સંકલ્પ-સિદ્ધિ પત્ર’ નામ આપવામાં આવ્યું છે.જેમાં જણાવ્યું છે કે, ભાજપ વિકાસને વરેલી પાર્ટી છે. આ સાથે જ મનપા ચૂંટણીને લઈને મોટા-મોટા વાયદા કરવામાં આવ્યા છે.
→ મહાનગર પાલિકામાં ચાલુ વર્ષે GPSC/ગૌણ સેવામાં ચાલુ ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરીને સ્ટાફની ભરતી કરવામાં આવશે.
→ નવા TP રોડ-રસ્તાઓ પહોળા કરીને પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે
→ મિલકત વેરો, વેપાર-ધંધાના વેરાની નવેસરથી સમીક્ષા કરીને તેને યોગ્ય કરવામાં આવશે.
→ ગાંધીનગરને કોરોના મુક્ત કરવા માટે તમામ નાગરિકોને રસીકરણ
→ અઠવાડિયામાં 2 દિવસ પ્રજા માટે વોર્ડ બેઠકનું આયોજન
→ સ્માર્ટ સિટી ગાંધીનગર અને મુખ્યમંત્રી અમૃત યોજના અંતર્ગત ગાંધીનગર દેશનું સૌ પ્રથમ 24*7 પાણી આપતું શહેર બનાવવાની યોજના
→ ગાંધીનગર મનપા વિસ્તારમાં સમાવિષ્ઠ ઔડા તથા ગુડા વિસ્તારના ગામો તેમજ TP વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે
→ તમામ વિસ્તારના ગટરનું પાણી શુદ્ધ કરીને બગીચા, GEB, થર્મલ પાવર સ્ટેશન, વૃક્ષ ઉછેર જેવા ઉપયોગી કાર્ય માટે ઉપયોગમાં લેવા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે
→ ગાંધીનગર મહાનગર પાલિકાના નવા વિસ્તારોમાં જીમ તથા સ્વીમિંગ પુલની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
→ કુડાસણ ખાતે અદ્યતન ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવશે
→ વાવોલ, કોલવડા અને કોટેશ્વર ખાતે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે
→ સરગાસણ ટીપી વિસ્તારમાં અદ્યતન પાર્ટીપ્લોટનું નિર્માણ કરવામાં આવશે
→ મહાનગરમાં ઉમેરાયેલા નવા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સ્મશાનગૃહ બનાવવામાં આવશે
→ ગાંધીનગરના રહેવાસી તથા અહીં આવતા પ્રવાસીઓ માટે બસ દ્વારા ‘ગાંધીનગર દર્શન’ની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપે 11 મંત્રીઓને ગાંધીનગરના 11 વોર્ડની જવાબદારી સોંપી દીધી છે.જ્યારે કોંગ્રેસ દ્વારા પણ દરેક વોર્ડમાં બે-બે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા બાદ ત્રિપાંખિયો જંગ જામ્યો છે.સુરત મનપા ચૂંટણીમાં ‘આપ’ દ્વારા શાનદાર પ્રદર્શન કરતાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા.જે બાદ આપ અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.આજ કારણોસર કોંગ્રેસે ગાંધીનગરની ચૂંટણી જીતવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાની બીજી લહેર બાદ આ પ્રથમ મોટી ચૂંટણી છે, જે ભાજપ માટે લિટમસ ટેસ્ટ સમાન છે.આમ પણ શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં સંપન્ન થયેલી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે નવી આવેલી આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરી દીધો છે.આથી આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ પાસે પ્રજાના મન પર પોતાની અસર માપવા માટે આ શ્રેષ્ઠ તક છે.
જણાવી દઈએ કે, ગાંધીનગર કોર્પોરેશન સહિત રાજ્યની 3 નગર પાલિકાની ચૂંટણી માટે 3 ઓક્ટોબરે મતદાન થવાનું છે.જ્યારે 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.આ સિવાય જરૂર જણાશે તો 4 ઓક્ટોબરના રોજ પુનર્મતદાન કરવામાં આવશે.


