અમદાવાદ : અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાને હાઈકોર્ટે રાહત આપી છે.હાઈકોર્ટે દીનુ બોધાના જામીન મંજૂર કર્યાં છે.દિનુ બોઘાની સજા કોર્ટે મોકૂફ રાખી છે.કોર્ટે શરતોને આધીન દિનુ બોઘાના જામીન મંજૂર કર્યાં છે.પરંતુ હાઈકોર્ટે શરત મૂકી છે કે, દિનુ બોઘા હાઈકોર્ટની પરવાનગી વગર દેશ નહિ છોડી શકે.સાથે જ તેણે પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે.હાઈકોર્ટે 1 લાખના બોન્ડ પર દિનુ બોઘાને જામીન આપ્યા છે.સાથે જ દર મહિનાની પહેલી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે તેવુ હાઈકોર્ટે જણાવ્યું.
શું છે અમિત જેઠવા મર્ડર કેસ
વર્ષ 2010માં ખાંભાના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને ખનીજ માફિયા સામે જંગે ચડેલા અમિત જેઠવાનું અમદાવાદ સોલા હાઇકોર્ટ સામે 20 જુલાઈના રોજ પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.ત્યારે પૂર્વ સાંસદ દિનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકીએ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હોવાની સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું હતું. ૬ સપ્ટેમ્બર, 2010ના રોજ દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ આ હત્યા માટે સોપારી આપવા બદલ થઈ હતી.નવેમ્બર ૨૦૧૩માં સીબીઆઈ દ્વારા દીનુ સોલંકીની પણ આ સંદર્ભે ધરપકડ કરાઈ હતી.ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતના 7 આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ હતી.જેમાં આરોપી તરીકે શૈલેષપંડ્યા,ઉદાજી ઠાકોર,શિવા પચાણ,શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે.
11 જુલાઈ, 2019 એ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી
અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ 7 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. CBI કોર્ટે આજીવન કેદની સાથે આરોપીઓ પર કુલ 60.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે.કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો હતો.સીબીઆઈ જજ કે. એમ. દવેએ આ સજા સંભળાવી હતી. 2019 માં અમિત જેઠવા મર્ડર કેસમાં નવ વર્ષ ચુકાદો આવ્યો હતો,અને તમામ આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયા હતા.