માંગરોળ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં સિયાલજ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તુલસી હોટેલના પાર્કિંગમાંથી પ્રોહિબિશન અને જુગારની સ્પેશ્યલ ડ્રાઇવ ટીમ દ્વારા બાતમીના આધારે એક ટેમ્પોમાંથી પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની 234 પેટીમાં 10.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ટેમ્પો ડ્રાઇવરની ધરપકડ કરતાં સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાય ગયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત રેન્જના ડી.જી.પી.એ રાજ્ય પોલીસ વડાની પ્રોહિબિશન ડ્રાય દરમ્યાન સ્પેશ્યલ ટીમ બનાવી હતી.આ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સિયાલજ ગામની હદમાં તુલસી હોટલના પાર્કિંગમાં એક ટેમ્પોમાં પરપ્રાંત બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે અને આ ટેમ્પો ભરુચ તરફ જવાનો છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી એક ટેમ્પોના ચાલક લાલસિંહ નમ્બુ ડામોર (30)ને ઝડપી પાડી ટેમ્પોમાં તપાસ કરતાં લાઇમસ્ટોન પાવડરની બોગસ બિલટી બનાવી આ પાવડરની દસ બેગની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું.તપાસ કરતાં 234 બોક્સમાં 7 હજાર 680 નંગ બોટલ જેની કિમત રૂ 10.60 લાખ તેમજ 8 લાખનો ટેમ્પો મળી 18 લાખ 63 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર નિલેષ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો.