પડતર પ્રશ્નોની માગ સાથે બારડોલી ડેપોના કર્મચારીઓના સૂત્રોચ્ચાર

474

બારડોલી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ સંચાલિત બારડોલી ડેપોના કર્મચારીઓએ શુક્રવારના રોજ લિનિયર બસ સ્ટેન્ડ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વર્ષો જૂની પડતર માગણીઓ નહીં સંતોષાતા નિગમના ત્રણેય સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

નિગમના કર્મચારીઓના ઘણા લાંબા સમાયતી પડતર પ્રશ્નો માટે નિગમના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક પ્રશ્નોન નિગમ તથા સરકારમાં કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી.જેના કારણે કર્મચારીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી ગઈ છે.ત્રણેય સંગઠનોની બનેલ સંકલન સમિતિ ની 26-8-2021ના રોજ મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય મુજબ મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,વાહન વ્યવહાર મંત્રીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આજે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો.કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર હસ્તકના અન્ય નિગમ,બોર્ડ અને એકમોના તમામ કર્મચારીઓને લાભો ચૂકવી આપવામાં આવ્યા છે પરંતુ એસટીના કર્મચારીઓ સાથે સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે.જો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોંઘવારી ભઠ્ઠા,ચડત એરિયર્સની રકમ,સાતમા પગાર પંચની અમલવારીથી ચૂકવવા પાત્ર થતો ઓવરટાઈમ પાછલી અસર સાથે ચૂકવવા,હક રજાનું રોકડમાં ચૂકવણું, કંડક્ટર કક્ષામાં પગારની વિસંગતતા દૂર કરવી,નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી મળવા પાત્ર લાભ ચૂકવવા,ડ્રાઇવર કંડક્ટરની ભરતી/બઢતીમાં સીસીસી પ્રમાણપત્રની જરૂરિયાતની જોગવાઈ તાત્કાલિક રદ કરવી,મૃતક કર્મચારીના આશ્રિતોને નોકરી સહિતના 20 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણની માગ એસટી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Share Now