NCPમાં થઇ શકે છે વિવાદ : કાંધલ જાડેજા આપી શકે છે ભાજપને મત
અમદાવાદ : ગુજરાતમાં રાજ્યસભા ઈલેક્શન કેટલાય તડજોડના સમીકરણો સામે લાવશે. કોંગ્રેસ અને ભાજપ માટે રાજ્યસભાની બેઠકો માટે એક એક મત મહત્વના છે ત્યારે NCPના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાને ઓવરરૂલ કરીને કાંધલ જાડેજા ભાજપને મત આપશે તેવુ ચર્ચાઈ રહ્યુ છે આ અંગે સોમવારે ભાજપ સાથે કાંધલની મીટિંગ છે.ત્યારે જોવું રહ્યુ કે બાપુ કોંગ્રેસના સાથનું રટણ કરી રહ્યા છે જ્યારે કાંધલ ભાજપ સાથે વાટાઘાટો કરી રહયો છે.રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે.મળતી માહિતી મુજબ NCPના કાંધલ જાડેજા ભાજપને મત આપશે. NCP કહેશે તો પણ કાંધલ જાડેજા ભાજપને મત આપશે.ત્યારે કાંધલના નિર્ણયને લઇ NCPમાં વિવાદ થઇ શકે છે.કાંધલ જાડેજા શંકરસિંહ વાઘેલાના નિર્ણયની અવગણના કરી શકે છે.સોમવારે કાંધલ જાડેજા મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.કાંધલ જાડેજા કુતિયાણાથી NCPના ધારાસભ્ય છે અને તેઓ કોંગ્રેસને સમર્થન કરશે તેવું શંકરસિંહ વાઘેલા નિવેદન આપી ચૂક્યા છે.ભાજપ પાસે હાલ પોતાના 103 ધારાસભ્યો છે પરંતુ રાજ્યસભામાં 3 ઉમેદવારોની જીત માટે ભાજપને 111 વોટ જોઈએ છે એટલે ઉપરના વોચ કોંગ્રેસને તોડીને અથવા તો NCP, અપક્ષ વગેરેના જ લેવા પડશે.આ માટે તડજોડની નીતિમાં NCPમાં ભંગાણ માટે ભાજપે આગ ચાંપી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.