– મહારાષ્ટ્ર સરકારે હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના મોત પર દુઃખ વ્યક્ત કરતા એક પ્રસ્તાવ પસાર કર્યો
ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસાની આગ બીજા રાજ્યો સુધી પહોંચી રહી છે.મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારે ખેડૂતોના મોતના વિરોધમાં 11 ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં બંધનું એલાન આપ્યું છે.એનસીપી નેતા અને સરકારના મંત્રી જયંત પાટિલે કહ્યું કે, હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને જલદીથી જલદી યુપી સરકાર ન્યાય અપાવે, એટલે અમે એક દિવસના બંધનું એલાન કર્યું છે.
આ પહેલા મહારાષ્ટ્ર મંત્રીમંડળે લખીમપુર ખીરીમાં ખેડૂતોના મોતને લઈને દુઃખ વ્યક્ત કરતા બુધવારે એક પ્રસ્તાવ પાસ કર્યો.મંત્રીઓએ એક મિનિટનું મૌન પાડી મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી.રાજ્યના જળ સંશાધન મંત્રી જયંત પાટિલે માર્યા ગયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપતો પ્રસ્તાવ રજૂ કર્યો, જેને રેવન્યુ મિનિસ્ટર અને કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ અને ઉદ્યોગ મંત્રી તેમજ શિવસેનાના નેતા સુભાષ દેસાઈએ સમર્થન આપ્યું.મંત્રી પરિષદમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના સભ્ય સામેલ છે.
બીજી તરફ, એનસીપી પ્રમુખ શરદ પવારે લખીમપુર ખીરીની ઘટનાની સરખામણી જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે કરી છે.તેમણે કહ્યું કે, દેશના ખેડૂતો કેટલાક મુદ્દાને લઈને કેન્દ્ર સરકારની સામે આંદોલન કરી રહ્યા છે,જેને એક વર્ષ પુરું થઈ ગયું છે.દિલ્હીની સરહદો પર ખેડૂતોનું એક જૂથ આંદોલન કરી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં ખેડૂતોએ દિલ્હી આવવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેમનો અવાજ દબાવવામાં આવ્યો.પાવરે લખીમપુર ખીરીની ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે.તેમણે કહ્યું કે, ખેડૂતો પર ભાજપના લોકો દ્વારા કાર ચડાવવાનું અને આંદોલનને દબાવવાનું કામ આખા દેશે જોયું છે.આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કરાવવી જોઈએ.

