NCPના નેતા નવાબ મલિકે NCB પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે.મુંબઈના સમુદ્રમાં ક્રૂઝ પર કથિત ડ્રગ્સ પાર્ટીમાં NCBની કાર્યવાહીને બનાવટી ગણાવી છે.સાથે જ NCBની કાર્યવાહી પર ઘણા સવાલ ઊભા કર્યા છે.નવાબ મલિકે સીધો આરોપ લગાવ્યો છે કે મહાવિકાસ આઘાડી (MVA)ને સતત બદનામ કરવાનો પ્રયત્ન કેન્દ્ર સરકાર કરી રહી છે. NCB દ્વારા બોલિવુડના ડ્રગ્સ નેક્સસનું કાવતરું રચવામાં આવી રહ્યું છે.નવાબ મલિકે આરોપ લગાવતા કહ્યું કે 3 ઓક્ટોબરના રોજ મુંબઈના સમુદ્રમાં ક્રૂઝ પાર્ટી પર થયેલી કાર્યવાહીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8 લોકોને કસ્ટડીમાં લેવાની જાણકારી NCBના ઝોનલ ડિરેક્ટરે આપી હતી.
આ કાર્યવાહીમાં આર્યન ખાનનો હાથ પકડીને NCB કાર્યાલયમાં લાવનારી વ્યક્તિ કે.પી. ગોસાવી છે.તો અરબાઝ મર્ચન્ટને લઈને આવનારી વ્યક્તિ મનીષ ભાનુશાલી છે.બંનેનો વીડિયો બધી ચેનલો પર જોઈ શકાય છે.તેમણે કહ્યું કે અમારી જાણકારી છે કે આ બંને વ્યક્તિ BJPના પદાધિકારી છે.તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્ર વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડાણવીસ સાથે ફોટા ઉપસ્થિત છે.ત્યારબાદ ગોસાવીનો આર્યન ખાન સાથે ફોટો વાયરલ થયો હતો જેને લઈને NCBએ ખુલાસો કર્યો કે આ વ્યક્તિ NCB સાથે જોડાયેલી નથી.
નવાબ મલિકે કહ્યું કે એવામાં સવાલ ઊભા થાય છે કે આ બંને વ્યક્તિ કાર્યવાહી દરમિયાન હાઇ પ્રોફાઇલ આરોપીઓને પકડીને કઈ રીતે લઈ જઈ રહી હતી? શું NCB કાર્યવાહી માટે પ્રાઇવેટ લોકોને ભાડા પર લે છે? અમારી માગણી છે કે NCB આ બંને વ્યક્તિઓ બાબતે ખુલાસો કરે.સાથે જ જાણકારી છે કે મનીષ ભાનુશાલી નામની વ્યક્તિ 22 સપ્ટેમ્બરને દિલ્હીમાં એક કેન્દ્રીય મંત્રી સાથે બેઠક કરી રહી હતી.ત્યારબાદ તેઓ ગુજરાત મંત્રાલયમાં પણ કેટલાક મંત્રીઓને મળ્યા છે.
આ દરમિયાન ગુજરાતના મુંદ્રા પોર્ટ પર હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. શું આ ડ્રગ્સ સીઝરનું આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ છે? એમ અમને શંકા છે.નવાબ મલિકે કહ્યું કે આ સિવાય કે.પી. ગોસાવી એક ફ્રોડ છે.તેના પર પૂણેમાં કેસ દાખલ છે. પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાને પ્રાઇવેટ ડિટેક્ટિવ ગણાવ્યો છે એટલે અમારી માગણી છે કે NCB અને BJP તેના પર ખુલાસો કરે. BJPના પદાધિકારી NCBના અધિકારી બનીને કાર્યવાહી કઈ રીતે કરી રહ્યા છે આ બાબતે ખુલાસો થવો જરૂરી છે.