શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી ભાજપ પર નિશાનો તાક્યો છે.રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ‘રોકઠોક’ નામનો લેખ લખ્યો છે.આ લેખમાં તેમણે પ્રિયંકા ગાંધીના વખાણ કર્યા છે અને લખીમપુર હિંસાને લઈને ભાજપની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.
સંજય રાઉતે પ્રિયંકા ગાંધીની તુલના ઈન્દિરા ગાંધી સાથે કરી હતી.આ અંગે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડાલકરએ કટાક્ષ કર્યો છે.ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર ઘટાડવા માંગતા કાર્યકરો ફરિયાદ કરે છે કે જ્યારે પણ ભાજપ અને શિવસેના નજીક આવવાનું શરૂ કરે છે,ત્યારે સંજય રાઉત દિવાલ બની જાય છે.તેઓ એનસીપી અને કોંગ્રેસથી શિવસેનાનું વધતું અંતર ઘટાડવાનું વલણ ધરાવે છે.આ કારણોસર રાઉત વારંવાર ભાજપના નિશાના પર રહેતા હોય છે.અત્યાર સુધી તેમના પર ટિપ્પણી કરતી વખતે એવું કહેવામાં આવતું હતું કે તેઓ શરદ પવારના પ્રવક્તા છે,શિવસેનાના નથી.હવે તેમને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રવક્તા કહેવામાં આવી રહ્યા છે.સંજય રાઉત વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે શિવસેનાને કોંગ્રેસમાં ભેળવવાની તૈયારી કરી લીધી છે.
‘સંજય રાઉત શિવસેનાને કોંગ્રેસમાં ભેળવવા ઉતાવળા થઈ રહ્યા છે’
પ્રિયંકા ગાંધી લખીમપુર હિંસા અંગે આક્રમક બન્યા હતા.પીડિત પરિવારને મળવાની જિદ પર ઉતર્યા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.તેમ છતાં તેઓ પાછળ હટ્યા ન હતા.સંજય રાઉતે પોતાના લેખમાં પ્રિયંકા ગાંધીના આ સંઘર્ષની પ્રશંસા કરી છે.પ્રશંસામાં તેમણે પ્રિયંકા ગાંધીની તુલના ઈન્દિરા ગાંધી સાથે કરી હતી.ભાજપના ધારાસભ્ય પડલકરે આ લેખનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને સંજય રાઉત પર કટાક્ષ કર્યો.
ગોપીચંદ પડલકરે મરાઠીમાં કરેલા પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, એવું લાગી રહ્યુ છે કે જે રીતે શ્રીમાન સંજય રાઉતે ‘સામના’નું રૂપાંતરણ ‘બાબરનામા’ ના રૂપમાં કર્યા પછી હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે દ્વારા ઉભી કરવામાં આવેલી શિવસેનાનો વિલય કોંગ્રેસમાં કરવાનુ બીડું ઝડપ્યુ છે.
સંજય રાઉતે પ્રિયંકા ગાંધી વિશે શું લખ્યું છે?
સંજય રાઉતે લખ્યું છે કે પ્રિયંકા ગાંધીની ધરપકડ બાદ દેશ તેમના સંઘર્ષથી જાગૃત થયો છે. 4 ઓક્ટોબરની સવારે પ્રિયંકા ગાંધીનો જેણે સંઘર્ષ જોયો,તેમને ખાતરી થઈ ગઈ કે ઈન્દિરા ગાંધીનું અસ્તિત્વ દેશમાં કાયમ છે.જ્યાં સુધી આ અસ્તિત્વ છે ત્યાં સુધી લોકશાહી જીવંત છે.ચાર લોહી પચાવ્યા બાદ શાંતિથી ઉંઘી રહેલી સૌથી મોટી પાર્ટીની ઉંઘ ઉડાડવાનું કામ પ્રિયંકા ગાંધીએ કર્યું છે.


