લો બોલો ! બાપી કી પેઢી સમજી સમરોલી ગ્રામ પંચાયતમાં DDO દ્વારા બરતરફ કરાયેલા સરપંચે ફરી ચાર્જ સંભાળ્યો

508

ચીખલી : સમરોલી ગ્રામ પંચાયતમાં ડીડીઓ દ્વારા બરતરફ કરાયેલા સરપંચને અધિક વિકાસ કમિશનર દ્વારા પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરતા આજે ફરી ગણતરીના દિવસોમાં સરપંચનો વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.કથિત ગેરકાયદેસર બાંધકામમાં આકારણી કરવાના મામલે ડીડીઓ દ્વારા હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો હતો.

સમરોલી ગ્રામ પંચાયતના સરપંચ મંગુભાઈ તળાવીયાને ડીડીઓ દ્વારા કથિત ગેરકાયદેસર બાંધકામમાં ફ્લેટોની આકારણી મામલે ડીડીઓના હુકમની અવગણના કરવાની બાબતે હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને ડેપ્યુટી સરપંચ અમિત પટેલને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.જોકે સરપંચ મંગુભાઈ દ્વારા ડીડીઓના હુકમ સામે વિકાસ કમિશ્નરની કચેરીમાં અપીલ કરવામાં આવી હતી.જેમાં અધિક વિકાસ કમિશનર દ્વારા મંગુભાઇ તળાવીયાને સરપંચ પદે પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરવામાં આવતા તેમણે આજે જિલ્લા પંચાયતના સભ્ય નિકુંજભાઈ પટેલ સ્થાનિક આગેવાન કલ્પેશભાઈ પટેલ સહિતનાઓની ઉપસ્થિતિમાં ફરી સરપંચનો ચાર્જ સંભાળી લીધો હતો.મંગુભાઈ અને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવી ફટાકડા ફોડી વધાવી લીધા હતા.સમરોલીમાં જે બાંધકામને લઈને વિવાદ સર્જાયો હતો.તેમાં કેટલાક આગેવાનો એ સરપંચ વિરુદ્ધ રજૂઆતોનો દોર ચાલુ રાખી સરપંચ સસ્પેન્ડ થતા આ ટોળકી ગેલમાં આવી ગઈ હતી.પરંતુ ગણતરીના દિવસોમાં જ ફરી મંગુભાઇ સરપંચ પદે આરૂઢ થતા ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ સર્જાયો હતો.

Share Now