– અફઘાનિસ્તાનની રાજધાન કાબુલમાં જોરદાર ધમાકો
– દેહમાજંગ વિસ્તારમાં ધમાકાથી અફરાતફરી
– હાલ જાનહાનીના કોઈ સમાચાર નહીં
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના દેહમાજંગ ચોક નજીક આજે સવારે જોરદાર વિસ્ફોટ થયો.આ ઘટનામાં કેટલી જાનહાની થઈ છે તેની કોઈ માહિતી સામે આવી નથી.તાલિબાન વહીવટીતંત્રે પણ મૃતકોની સંખ્યા આપવાનો ઈન્કાર કરી દીધો છે.એક સ્થાનિક રહેવાસીએ માહિતી આપતા કહ્યું કે સવારે 7.50 વાગ્યે દેહમજંગ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો અને આ અવાજથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો.કેટલાક લોકોનું કહેવું છે કે આ કાર બોમ્બ બ્લાસ્ટ હોઈ શકે છે.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તાલિબાનના કેટલાક વાહનો આ ધડાકા બાદ આ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ તાલિબાન દ્વારા હુમલાને લઈને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી.મંગળવારે કાબુલ શહેરમાં અનેક ચેકપોઈન્ટ ઉભી કરી હતી અને શહેરના જુદા જુદા સ્થળોએ મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા દરેક વાહનોની તપાસ કરી હતી.જો કે તાલિબાન વહીવટીતંત્રે આ ઘટના અંગે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે.ઓગસ્ટમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી સમગ્ર અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ સામાન્ય રીતે શાંત પરંતુ અનિશ્ચિત રહી છે.જો કે તાજેતરના સપ્તાહોમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા કેટલાક અફઘાન પ્રાંતોમાં જીવલેણ બોમ્બ હુમલા થયા છે.


