– વાનખેડે નવાબ મલિક સામે કોર્ટમાં જશે
– નવાબ મલિક મારા કુટુંબની મહિલાઓને લક્ષ્યાંક બનાવી રહ્યો છે : વાનખેડે
મુંબઈ : ક્રુઝ ડ્રગ્સના મામલામાં એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિક તપાસ એજન્સી અનસીબીને સતત લક્ષ્યાંક બનાવી રહ્યા છે.નવાબ મલિકે પુણેમાં માવલ વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષની અંદર વાનખેડેને જેલભેગો કરી દઇશું.
નવાબ મલિકના આ નિવેદન સામે સમીર વાનખેડેએ કાયદાકીય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે.નવાબ મલિકે જણાવ્યું હતું કે હું સમીર વાનખેડેને સીધો પડકાર ફેંકું છું કે વર્ષની અંદર તારી નોકરી જશે,તારુ જેલમાં જવુ નિશ્ચિત છે.તારા બધા કાળા કરતૂતો પ્રજાની સામે લાવીશું.સમીર વાનખેડેના પિતા અને તેના ઘરના લોકો બધા બોગસ છે.મારા જમાઈને જેલભેગો કરે છે અને મને ફોન કરે છે. કોના કહેવા પર આ કરે છે.તારા પિતા કોણ છે,તેનો જવાબ આપ.હું તારા પિતાથી ડરતો નથી.તને જેલના સળિયા પાછળ મોકલ્યા વગર હું આરામથી નહી બેસું.
આ અંગે સમીર વાનખેડે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિક સામે કાયદાકીય પગલાં લેશે.તેમણે જણાવ્યું હતું કે નવાબ મલિકે મારા પર લગાવેલા આરોપો ખોટા છે.મેં નોકરી શરૂ કરી ત્યારથી દુબઈ ગયો નથી. હું મારી બહેન સાથે માલદીવ ગયો ન હતો.મેં સરકાર સમક્ષ સત્તાવાર રજા મૂકી હતી અને મારા રૂપિયાથી કુટુંબ સાથે માલદીવ ગયો હતો.મારી બહેન અલગથી માલદીવ ગઈ હતી.
નવાબ મલિક મારા કુટુંબની મહિલાઓને લક્ષ્યાંક બનાવી રહ્યા છે તે ખોટી વાત છે.હું આ બદલ તેમની સમક્ષ કોર્ટમાં જઈ કાયદાકીય કાર્યવાહી કરીશ.

