શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા છે.એક રીતે વિભાગની વિજિલન્સ ટીમ તેની સામે તપાસ કરી રહી છે.જ્યારે બીજી તરફ મુંબઈ પોલીસે પણ તેની સામે તપાસ શરૂ કરી છે.આર્યન ખાન ડ્રગ્સ કેસમા સાક્ષી પ્રભાકર સાઈલનું નિવેદન સામે આવતા વાનખેડે તપાસના ઘેરામાં આવ્યા હતા.
પ્રભાકર સાઈલનો ચોંકાવનારો દાવો
ઉલ્લેખનીય છે કે, પ્રભાકર સાઈલે રવિવારે સોશિયલ મીડિયા પર એક એફિડેવિટ જાહેર કર્યુ હતુ.એફિડેવિટમાં તેણે કહ્યું કે આર્યન ખાન કેસમાં એનસીબીએ તેને પંચ તરીકે 10 સાદા કાગળો પર સહી કરાવી હતી.સાઈલનો આરોપ છે કે આ કેસમાં કિરણ ગોસાવીને સેમ ડિસોઝા નામના મિત્ર પાસેથી 25 કરોડ રૂપિયા વસૂલવાની વાત કરતા સાંભળ્યા હતા.
મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી
આ લાંચના આરોપમાં 25 કરોડમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાની વાત હતી.સાઈલના આ સોગંદનામાના આધારે મુંબઈ પોલીસે NCB અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, ડેપ્યુટી કમિશનરે સાઈલનું નિવેદન નોંધીને તપાસ તેજ કરી છે.
પોલીસ હવે પ્રભાકરના સાઈલના ફોન રેકોર્ડના આધારે તેની ગતિવિધિઓની તપાસ કરશે.સાઇલે પોતાના નિવેદનમાં હાજી અલી પાસેથી પૈસા ભરેલી બે બેગ લાવ્યો હોવાનો દાવો કર્યો છે.આથી પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. આ તમામ હકીકતો તપાસ્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.આ પછી સમીર વિરુદ્ધ એફઆઈઆર નોંધવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
પ્રભાકરનું બીજી વખત નિવેદન નોંધાયું
તે જ સમયે, પોલીસે લાંચ કેસમાં બુધવારે બીજી વખત સાક્ષી પ્રભાકર સાઈલનું નિવેદન નોંધ્યું હતું.સાઈલ બુધવારે બપોરે 3 વાગ્યે આઝાદ મેદાન વિભાગના મદદનીશ પોલીસ કમિશનર સમક્ષ હાજર થયો હતો.આ પહેલા મંગળવારે પણ સાઈલની આઠ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.