આઝમ ખાનની ભેંસ શોધનારી રામપુર પોલીસ હવે શોધી આપશે કોંગ્રેસી નેતાની ઘોડી

206

– પોલીસે 24 કલાકની અંદર જ આઝમ ખાનની સાતેય ભેંસ શોધી આપી હતી

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર : સપા સાંસદ આઝમ ખાનના ડેરી ફાર્મમાંથી 2014ના વર્ષમાં ચોરાયેલી ભેંસને શોધીને ચર્ચામાં આવેલી રામપુર પોલીસને હવે કોંગ્રેસી નેતાની ઘોડી શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે.કોંગ્રેસના ખેડૂત સેલના જિલ્લાધ્યક્ષ હાજી નિશાન ખાનની ઘોડી શુક્રવાર (5 નવેમ્બર) રાતથી ગાયબ છે.

તેમના કહેવા પ્રમાણે તેમની પાલતુ ઘોડી તોપખાના સ્થિત લાલાની ચક્કી પાસે બાંધી હતી.તે ગાયબ થયા બાદ ચોરીની શંકા વ્યક્ત કરીને નાજિશ ખાને ટ્વિટરના માધ્યમથી એડીજી જોન બરેલીને જાણકારી આપી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને એડીજીએ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો અને પોલીસે ફરિયાદના આધારે ઓનલાઈન એફઆઈઆર નોંધી છે. નાજિશ ખાનના કહેવા પ્રમાણે તેઓ ઘોડીને પોતાના પરિવારનો હિસ્સો માનતા હતા અને તેને ખૂબ જ પ્રેમથી પાળી રહ્યા હતા.તે ઘોડીને 82 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

31 જાન્યુઆરી, 2014ના રોજ તત્કાલીન કેબિનેટ મંત્રી અને વર્તમાનમાં રામપુરના સાંસદ આઝમ ખાનના પસિયાપુરા સ્થિત ડેરી ફાર્મમાંથી 7 ભેંસોની ચોરી થઈ હતી.પોલીસે 24 કલાકની અંદર જ આઝમ ખાનની સાતેય ભેંસ શોધી આપી હતી.તે પ્રકરણમાં તત્કાલીન એસપીએ તત્કાલીન ચોકી પ્રભારી સહિત 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.તે સિવાય રામપુરમાં જિલ્લાધિકારી રહી ચુકેલા અમિત કિશોરનો પાલતુ શ્વાન ગુમ થઈ ગયો હતો અને પોલીસે જર્મન શેફર્ડ પ્રજાતિના તે શ્વાનને પણ 24 કલાકની અંદર જ શોધી કાઢ્યો હતો.ત્યારે હવે જોવાનું રહ્યું કે, આવા અનુભવોનો રેકોર્ડ ધરાવતી રામપુર પોલીસ કોંગ્રેસી નેતાની ગાયબ ઘોડીને કેટલા સમયમાં શોધી કાઢે છે.

Share Now