નવી દિલ્હી,તા.11.નવેમ્બર : મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકના જમાઈએ રાજ્યના પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસને માનહાનિની નોટિસ મોકલી છે.સાથે સાથે માનસિક હેરાનગતી તેમજ આક્ષેપોના કારણે થયેલા નુકસાન બદલ પાંચ કરોડ રુપિયાના વળતરની માંગ કરી છે.
દરમિયાન નવાબ મલિકે કહ્યુ હતુ કે, મારી પુત્રી નિલોફરે પણ પૂર્વ સીએમ ફડનવીસને ડ્રગ્સના ખોટા આરોપ બદલ કાનૂની નોટિસ મોકલી છે.જો તેઓ માફી નહીં માંગે તો તેમની સામે અમે કોર્ટમાં જઈશું.ઉલ્લેખનીય છે કે, ફડનવીસે આરોપ લગાવ્યો હતો કે, મુંબઈ બોમ્બ બ્લાસ્ટના બે આરોપીઓ સાથે મલિક પરિવારે જમીનનો સોદો કર્યો હતો.ફડનવીસએ કહ્યુ હતુ કે, આ પ્રકારની પાંચ પ્રોપર્ટીઓ અમારા ધ્યાનમાં આવી છે.જેમાં ચાર પ્રોપર્ટીના તાર તો અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા છે.આ તમામ પૂરાવા હું સરકારને આપવાનો છું.બીજી તરફ નવાબ મલિકે પણ આરોપ કર્યો હતો કે, ફડનવીસના સંરક્ષણ હેઠળ રાજ્યમાં નકલી નોટોનુ રેકેટ ચાલતુ હતુ.