નવી દિલ્હી,તા.12.નવેમ્બર : દેશને આઝાદી ભીખમાં મળી હોવાનુ નિવેદન આપીને એક્ટ્રેસ કંગના બરાબર ફસાઈ છે.તેના પર ચારે તરફથી માછલા ધોવાઈ રહ્યા છે.
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે આ મુદ્દે કંગના પર પ્રહારો કર્યા છે.એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે મલિકે કહ્યુ છે કે, એવુ લાગે છે કે, કંગનાએ ડ્રગ્સનો ઓવરડોઝ લીધો લાગે છે.કંગનાએ જે નિવેદન આપ્યુ છે તેનાથી દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનુ અપમાન થયુ છે.કેન્દ્ર સરકારે કંગના પાસેથી પદ્મ શ્રી એવોર્ડ પણ પાછો લેવો જોઈએ અને તેની ધરપકડ કરવી જોઈએ.
દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા કંગના સામે આ નિવેદન બદલ પોલીસ કેસ કરવામાં આવ્યો છે.લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ પણ કહ્યુ છે કે, કંગના દેશદ્રોહી છે.દરમિયાન ગઈકાલે ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ કંગનાના નિવેદન પર ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, ક્યારેક મહાત્મા ગાંધીની તપસ્યાનુ અપમાન,ક્યારેક તેમના હત્યારાનુ સન્માન અને હવે શહીદ મંગલ પાડે તેમજ રાણી લક્ષ્મીબાઈ,ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ તથા લાખો સ્વતંત્ર્તા સેનાનીઓની કુરબાનીઓનો તિરસ્કાર, આ પ્રકારની વિચારધારાને ગાંડપણ કહેવાય કે દેશદ્રોહ?