– ગ્રીન એનર્જી લિ. 2030 સુધીમાં 45 GW રિન્યૂએબલ એનર્જી ક્ષમતા ઊભી કરશે, સૌથી સસ્તા હાઈડ્રોજનનું ઉત્પાદન કરશે
નવી દિલ્હી : બિલિયોનેર ગૌતમ અદાણીએ ગુરુવારે કહ્યું હતું કે તેમનું અદાણી ગ્રુપ રિન્યૂઅબલ એનર્જી ક્ષેત્રે આગામી એક દાયકામાં 70 અબજ ડોલરનું રોકાણ કરશે અને આ ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી કંપની બનશે.આ ઉપરાંત તે વિશ્વમાં સૌથી સસ્તા હાઈડ્રોજનનું ઉત્પાદન કરશે.વિશ્વની સૌથી મોટી સોલાર પાવર કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 2030 સુધીમાં 45 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા ઊભી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.તે 2022-23 સુધીમાં દર વર્ષે 2 ગીગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદન ક્ષમતા ડેવલપ કરવા માટે 20 અબજ ડોલરનું રોકાણ કરશે.એ જ રીતે ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાસમિશન અને રિટેલ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ રિન્યૂએબલ પાવર પ્રોક્યોરમેન્ટમાં તેનો હાલનો 3 ટકાનો હિસ્સો 2023 સુધીમાં વધારીને 30 ટકા કરશે અને 2030 સુધીમાં 70 ટકા કરી દેવાનો તેનો લક્ષ્યાંક છે.
એક ઈવેન્ટમાં અદાણી ગ્રુપના સ્થાપક-ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે “અદાણી ગ્રુપ રિન્યૂએબલ એનર્જીને ફોસિલ ફ્યૂઅલના વિકલ્પ તરીકે અને તે પણ પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. 2030 સુધીમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અદાણી વિશ્વની સૌથી મોટી કંપની બની જશે તેવી અમને આશા છે અને તેના માટે અમે આગામી એક દાયકામાં 70 અબજ ડોલરનું રોકાણ કરીશું.વિશ્વમાં આટલું મોટું રોકાણ કરનારી બીજી કોઈ કંપની નથી.” અદાણી ગ્રુપ હાલમાં પણ વિશ્વનું સૌથી મોટું સોલાર પાવર ડેવલપર છે જ.તેમણે કહ્યું કે “અમારી રિન્યૂએબલ કેપેસિટી અને અમારા રોકાણનું કદ આ બન્નેના સમન્વયથી અમે વિશ્વમાં સૌથી સસ્તી ગ્રીન એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરનારી કંપની તરીકે ઊભરીશું.”
ગૌતમ અદાણીએ કહ્યું કે “અમે વિશ્વના સૌથી સસ્તા હાઈડ્રોજનનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ સજ્જ છીએ. રિન્યૂએબલ એનર્જીમાંથી ઉત્પન્ન કરાતો ગ્રીન હાઈડ્રોજન એ ચમત્કારીક ફ્યૂઅલ છે અને ચમત્કારીક ફીડસ્ટોક છે.ભારતમાં રિન્યૂએબલ્સ ક્ષેત્રે જે અસાધારણ ગ્રોથ થઈ રહ્યો છે તે જોતા ભારત ગ્રીન એનર્જીનો નેટ નિકાસકાર દેશ બની જશે. તમે કલ્પના કરો, કે ભારતને ફોસિલ ફ્યૂઅલની આયાતની જરૂર નથી, ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવમાં ભલે ગમે તેવા ઊતાર-ચઢાવ થાય, કોઈ ચિંતા નહીં, આ રીતે ભારત ફ્યૂઅલ (ઈંધણ) ક્ષેત્રે પણ સ્વતંત્ર બની જશે.” ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગ્લાસગો ખાતે COP 26 મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત 2070 સુધીમાં નેટ-ઝીરો કાર્બન એમિશન દેશ બની જશે. ભારતે 2030 સુધીમાં રિન્યૂએબલ એનર્જીનું કુલ જરૂરિયાતમાં 50 ટકા યોગદાનનો લક્ષ્ય પણ રાખ્યો છે અને નોન-ફોસિલ ફ્યૂઅલ એનર્જી ક્ષમતા 450 ગીગા વોટથી વધારીને 500 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક પણ મૂક્યો છે.


