હિન્દુત્વ અને ISIS એક નહીં પરંતુ એક જેવા છે : ખુરશીદ

633

– હિન્દુત્વ-આઈએસના વિવાદમાં કોંગ્રેસ નેતાનો આઘાતજનક ખૂલાસો
– ખુરશીદના પુસ્તક પર પ્રતિબંધ મૂકવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી

નવી દિલ્હી, તા.૧૪ : પોતાના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા : નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં હિન્દુત્વની સરખામણી આતંકવાદી સંગઠન સાથે કરીને વિવાદોમાં ઘેરાયેલા સલમાન ખુરશીદે આ વિવાદ અંગે ખુલાસો આપતાં કહ્યું કે તેમણે ક્યારે એવું નથી કહ્યું કે હિન્દુત્વ અને આઈએસઆઈએસ એક છે. મેં તો એવું કહ્યું હતું કે, બંને એક જેવા છે.બીજીબાજુ ખુરશીદના આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવા એક વકિલ વિનિત જિંદલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે જ્યારે ભાજપે પણ સલમાન ખુરશીદ, દિગ્વિજયસિંહ અને ચિદમ્બરમ સામે છત્તિસગઢના રાયપુરમાં એફઆઈઆર કરવા પોલીસને ફરિયાદ કરી છે.

પોતાના પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી આતંકવાદી સંગઠન સાથે કર્યા પછી કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે આ મુદ્દે ખુલાસો કર્યો હતો.સંભલમાં એક કાર્યક્રમમાં ખુરશીદે કહ્યું કે તેમને એવું લાગે છે કે કેટલાક લોકો હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ હિન્દુ ધર્મના દુશ્મન છે અને તેમને ડર લાગે છે કે તેમની હકીકત સામે આવી ગઈ.તેમની હકીકત ખુલ્લી પાડનારા કોઈપણ પુસ્તક પર તેઓ પ્રતિબંધ મૂકી દેશે. મારું માનવું છે કે હિન્દુ ધર્મ દુનિયામાં શાંતિનો પ્રચાર પ્રસાર કરે છે. તેમણે ઉમેર્યું કે મને પસ્તાવો છે કે મેં આ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે.સાથે તેમણે નામ લીધા વિના ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે લોકો અંગ્રેજીમાં થોડા નબળા છે,પરંતુ હું કહું છું કે તમને અંગ્રેજીમાં ખબર ના પડતી હોય તો અનુવાદ કરાવી લો. મેં કોઈ ધર્મ પર ટીપ્પણી નથી કરી.

દરમિયાન દિલ્હીમાં એક વકીલ વિનીત જિંદાલે એડવોકેટ રાજ કિશોર ચૌધરીના માધ્યમથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને હિન્દુત્વ પર કથિત ટીપ્પણી કરવા બદલ સલમાન ખુરશીદના પુસ્તકના પ્રકાશન,પ્રસાર અને વેચાણ રોકવા નિર્દેશ આપવા માગણી કરાઈ છે. અરજીમાં કહેવાયું છે કે ખુરશીદના પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા કટ્ટરવાદી જેહાદી સંગઠનો સાથે કરાઈ છે.આ પુસ્તકમાં ‘ધ સેફ્રોન સ્કાય’ નામના પ્રકરણમાં પાના નંબર ૧૧૩ ઉપર કહેવાયું છે કે આઈએસઆઈએસ અને બોકો હરામ માટે હિન્દુ ધર્મની સમાનતાને એક નકારાત્મક વિચારધારાનારૂપમાં માનવામાં આવે છે, જેનું હિન્દુઓ પાલન કરી રહ્યા છે અને હિન્દુ ધર્મ હિંસક,અમાનવીય અને દમનકારી છે.મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા કરી રાજ્યમાં પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનું જણાવ્યું છે.

છત્તિસગઢમાં મુખ્ય વિપક્ષ ભાજપે કોંગ્રેસના નેતાઓ સલમાન ખુરશીદ,પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.રાયપુરમાં ભાજપના સાંસદ રામવિચાર નેતામ સ્થાનિક ધારાસભ્યો સાથે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન સલમાન ખુરશીદે તેમના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા : નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં દેશના અનેક રાજકીય અને સામાજિક પાસાઓ પર પણ વાત કરી છે.આવા જ એક કિસ્સામાં તેમણે કહ્યું કે, ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી ધ્વંસ કરાયાના બીજા દિવસે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીઓએ તેઓ નરસિમ્હા રાવ અંગે શું વિચારી રહ્યા છે તે જણાવવાનો પ્રયાસ કર્યો હતો.તેના જવાબમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાવે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે લોકો ‘મારા પ્રત્યે સહાનુભૂતિ રાખો’ તેવી મને આશા છે.તેમના આ નિવેદનથી કેબિનેટ સાથીઓને બાબરી ધ્વંસથી વધુ મોટો ઝટકો લાગ્યો હતો.

Share Now