સુરત, તા.16 માર્ચ 2020, સોમવાર
કોરોના વાઇરસને કારણે સ્કૂલ-કોલેજો સહિત મલ્ટિપ્લેક્સ બંધ રાખવાના સરકારના નિર્ણયમાં કાપડબજાર પણ સામેલ થઈ રહી છે,એવી ખબરો ઉપર જોકે, હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. કાપડબજાર બંધ રાખવાનો નિર્ણય સત્તાવાર રીતે હજુ લેવાયો નથી, એમ માર્કેટના સૂત્રોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
કોરોના વાઈરસથી બચવા માટે કયા પ્રકારના પગલાં જરૂરી છે, તેની ચર્ચા કરવા માટે આજે સાંજે જુદી- જુદી માર્કેટના પ્રતિનિધિઓની એક મિટિંગ યોજવામાં આવી છે.હોળી-ધુળેટી પછી કાપડબજારમાં કામકાજ ખૂબ જ ઓછા છે,એમ માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું.
કાપડબજાર બંધ રાખવાનો નિર્ણય અત્યારના સંજોગોમાં યોગ્ય નથી. કેમકે, માર્કેટ બંધ રાખવામાં આવી છે, એવી જાહેરાતથી બહારગામથી ખરીદી માટે આવનારા વેપારીઓ પોતાના કાર્યક્રમો રદ્ કરી શકે છે. મુંબઈની કાપડબજાર અત્યારે રાબેતા મુજબ ચાલુ છે, તેને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે.