મુંબઇ : બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને થોડા સમય પહેલાં જ પોર્ન ફિલ્મ પ્રકરણે જામીન પર છૂટેલા તેના પતિ રાજ કુંદ્રા સામે દોઢ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાતા દંપત્તિની અડચણોમાં વધારો થયો છે.આ હાઈ પ્રોફાઈલ દંપત્તિ સામે મુંબઈના બાંદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.થોડા વર્ષો પહેલાં થાણેમાં પણ છેતરપિંડીનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર નીતિન બરાઈ નામની એક વ્યક્તિએ શિલ્પા અને રાજ કુંદ્રા સામે ૨૦૧૪થી છેતરપિંડી આચરતા હોવાની ફરિયાદ કરી છે.બરાઈની ફરિયાદને આધારે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સહિત અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણે પોલીસે પ્રારંભિક તપાસ આદરી છે અને ટૂંક સમયમાં મુંબઈ પોલીસ આ પ્રકરણે શિલ્પા અને રાજ કુંદ્રાનો સંપર્ક સાધે તેવી શક્યતા છે.
આ સંદર્ભે બરાઈએ પોલીસમાં કરેલ ફરિયાદ અનુસાર શિલ્પા અને રાજની કંપનીની ફ્રેન્ચાઈઝી લઈ પુણેના કોરેગાવ ભાગમાં જો સ્પા અને જીમ શરૂ કરવામાં આવે તો ખૂબ જ ફાયદો થશે તેવું પ્રલોભન તેના આપવામાં આવ્યું હતું.બરાઈએ તેમના કહેવા અનુસાર ૧.૫૯ કરોડ રૂપિયાની રોકાણ દંપત્તિની કંપનીમાં કહ્યું હતું. જોકે ત્યારબાદ આરોપીઓએ આ નાણાનો ઉપયોગ પોતાના અંગત વપરાશ માટે કર્યો હતો.આ ઉપરાંત તેમણે જ્યારે પૈસા પાછા માગ્યા ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી તેવો આરોપ બરાઈએ કર્યો હતો.બરાઈની આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
જુલાઈ મહિનામાં મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના એક કેસમાં ધરપકડ કરી હતી.બે મહિના બાદ કુંદ્રાની જામીન પર છૂટકા થઈ હતી.તાજેતરમાં જ દંપત્તિ તેમના બાળકો સાથે હિમાચલ પ્રદેશમાં આવેલ એક પ્રખ્યાત યાત્રાધામમાં પૂજા- અર્ચના કરતા નજરે પડયા હતા.
શિલ્પા શેટ્ટીએ છેતરપિંડીના આરોપો નકાર્યા
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે થયેલી દોઢ કરોડની છેતરપિંડીની ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં શિલ્પા શેટ્ટીએ આ બાબતે ટ્વીટર પર ખુલાસો કરી પોતાની બાજુ સ્પષ્ટ કરી હતી.શિલ્પાએ વેપારીએ નીતિન બારાઈએ કરેલ છેતરપિંડીના તમામ આરોપો ફગાવી દેતા જણાવ્યું હતું કે એસએફએલ ફિટનેસ નામની મૂળ કંપની કશિફ ખાન ચલાવતો હતો.તેણે એસએફએલ નામ વાપરવાના હક્કો લીધા હતા.તે સમગ્ર દેશમાં આ નામે જીમ ખોલવા માગતો હતો.ધંધાની તમામ ડીલ તેણે કરી છે અને બેન્કના એકાઉન્ટમાં પણ તેની જ સહી ચાલતી હતી.અમે તેના કોઈ ટ્રાન્ઝેકશનથી વાકેફ નથી તેમજ અમને આમાંથી એક રૂપિયો પણ મળ્યો નથી.તમામ ફ્રેન્ચાઈઝીએ પણ સીધો કશિફ ખાનનો સંપર્ક કરતી.
આ કંપની ૨૦૧૪માં બંધ પડી ગઈ હતી અને તેનો તમામ વહેવાર કશિફ ખાન જ સંભાળતો હતો. છેલ્લા ૨૮ વર્ષથી હું ખૂબ પરિશ્રમ અને સખત મહેનત કરું છું.મારા નામ અને પ્રતિષ્ઠાને પહોંચતી હાનિથી મને દુઃખ થાય છે.હું કાયદાને માનતી વ્યક્તિથી છું અને મારા હિત અને હક્કોનું રક્ષણ થવું જોઈએ.

