– સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલે જણાવ્યું કે, તેઓ એટલા માટે સંતાયેલા છે કારણ કે, મુંબઈ પોલીસથી તેમના જીવને જોખમ છે
નવી દિલ્હી, તા. 22 નવેમ્બર : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગેરકાયદેસર વસૂલીનો આરોપ લગાવ્યા બાદથી ફરાર એવા પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ મામલે નવો ખુલાસો થયો છે.અત્યાર સુધી એમ કહેવાઈ રહ્યું હતું કે, પરમવીર સિંહ તપાસથી બચવા માટે દેશ છોડીને ભાગી ગયા છે.ત્યારે હવે તેમના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, તેઓ દેશમાં જ છે અને તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છે.
પરમવીર સિંહની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલે જણાવ્યું કે, તેઓ એટલા માટે સંતાયેલા છે કારણ કે, મુંબઈ પોલીસથી તેમના જીવને જોખમ છે.તેઓ 48 કલાકની અંદર સીબીઆઈ કે કોર્ટમાં રજૂ થવા માટે તૈયાર છે.
આ ખુલાસા બાદ સુપ્રીમ કોર્ટે પરમવીર સિંહને તપાસમાં સહયોગ આપવા માટે કહ્યું છે.કોર્ટે હાલ પરમવીર સિંહની ધરપકડ પર પ્રતિબંધ મુક્યો છે અને તેમને સમગ્ર કેસની તપાસ દરમિયાન સહયોગ આપવા નિર્દેશ આપ્યો છે.તેમના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, પરમવીર સિંહને સમગ્ર કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.તેમણે જે અધિકારીઓને ભ્રષ્ટ આચરણ માટે દંડિત કર્યા છે તેમને જ આજે ફરિયાદી બનાવાયા છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે સીબીઆઈ અને મહારાષ્ટ્ર ડીજીપીને નોટિસ મોકલી છે.તે અંતર્ગત હાલ પરમવીર સિંહ વિરૂદ્ધની કોઈ પણ કાર્યવાહી પર પ્રતિબંધ મુકાયો છે.આગામી 6 ડિસેમ્બરના રોજ કોર્ટ આ મામલે આગળની સુનાવણી કરશે.