– 12 ડિસેમ્બરના રોજ નીકળનારી ટ્રેનનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે અને હજારો હિંદુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરવામાં આવશે
નવી દિલ્હી, તા. 22 નવેમ્બર : ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેનને લઈ વિવાદ જામ્યો છે.આ વિવાદ સંતો જેવી વેશભૂષાને લઈ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેનની અંદર કામ કરનારા વેઈટર્સ સંતોની વેશભૂષામાં જોવા મળી રહ્યા છે.આ કારણે ઉજ્જૈનમાં રહેતા સંતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને પણ વિરોધ નોંધાવ્યો છે.સંતોએ પત્રમાં 12 ડિસેમ્બરના રોજ શરૂ થનારી આગામી ટ્રેન રોકવાનો ઉલ્લેખ કર્યો છે.
અયોધ્યા,ચિત્રકૂટ સહિતના ભગવાન રામ સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી ભારતીય રેલવેએ IRCTCના માધ્યમથી રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે.ધાર્મિક યાત્રા સાથે સંકળાયેલી આ ટ્રેનમાં શ્રદ્ધાળુઓને ટ્રેનની અંદર જ ભોજન પીરસવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કેટલાક લોકો સાધુની વેશભૂષામાં જોવા મળી રહ્યા છે અને તેઓ ભોજન પીરસી રહ્યા છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રામાયણ સક્રિટ ટ્રેનનો વીડિયો છે અને તેઓ સૌ ટ્રેનના વેઈટર્સ છે.સંતોએ આ વીડિયોમાં જોવા મળી રહેલા વેઈટર્સની વેશભૂષાને લઈ સવાલ કર્યા છે.
ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અવધેશ પૂરીએ વિરોધ નોંધાવતા કહ્યું કે, સંતોની વેશભૂષા વેઈટર્સને પહેરાવવામાં આવી છે જે સાધુ સમાજનું અપમાન છે.જલ્દી જ આ વેશભૂષા બદલવામાં આવે નહીં તો 12 ડિસેમ્બરના રોજ નીકળનારી ટ્રેનનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે અને હજારો હિંદુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરવામાં આવશે.અવધેશ પૂરીના કહેવા પ્રમાણે વીડિયો સામે આવ્યા બાદ તેમણે રેલવે મંત્રીને પત્ર લખ્યો છે.