પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કરણ ગામની સીમમાં ને.હા-48 ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પો તેમજ પાયલોટિંગ કરતી કાર સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.પોલીસે વિદેશી દારૂ,ટેમ્પો,કાર,મોબાઈલ ફોન મળી કુલ 18.96 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પી.આઈ કે.જે.ધડુક નાઓ ટીમ સાથે કડોદરા તેમજ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી આધારે તેમણે કરણ ગામની સીમમાં ને.હા-48 ઉપરમાં સર્વિસ રોડ ઉપર રામદેવ હોટલની સામેથી એક આઇસર ટેમ્પો નંબર જીજે-21-ટી-4061 તેમજ એક આઈ 10 કાર નંબર જીજે 15-સીએચ-9874 ને ઝડપી પાડી હતી.અને તેમાં બેસેલ ચાલકો શ્યામભાઈ ભરતભાઇ ઢો.પટેલ (રહે, રોહિણાંગામ, ડોક્ટર ફળિયું, તા-પારડી) તથા કૃણાલ હિતેશભાઈ ઢો.પટેલ (રહે, ડુમલાવ ગામ, દેસાઇ ફળિયું, તા-પારડી, જી-વલસાડ) ને ઝડપી પાડ્યા હતા અને ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં ટેમ્પામાં લાકડાના ગોળ મોટા બોક્ષમાં છુપાવેલ વિદેશી દારૂની નાની મોટી કુલ 4875 બોટલ કિંમત રૂ. 3,84,000 નો જથ્થો મળી આવ્યો હતો.આ વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો.આ ટેમ્પાનું પાઇલોટિંગ આઈ10 કારનો ચાલક કરી રહયો હતો. પોલીસે આઇસર ટેમ્પો, કાર,વિદેશી દારૂ,તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ 18.96 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલ યતીન સોમાભાઇ હળપતિ (રહે, પટેલફળિયું, કડૈયા, દમણ) સહિત ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.