– કોલેજની એક ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો
– કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો
– ધારવાડના ડેપ્યુટી કમિશનરે કહ્યું, હજુ કોરોનાના કેસ વધી શકે છે
કર્ણાટકના ધારવાડમાં 66 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફરીવાર કોરોનાથી સંક્રમિત થયા છે.આ તમામ વિદ્યાર્થીઓએ રસીના બન્ને ડોઝ લીધેલા છે.જે બાદ 2 હોસ્ટેલ સીલ કરવામાં આવી છે.આ બાબતની માહિતી આપતાં ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે જણાવ્યું હતું કે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે, કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જે વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે તે તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે.આ ઉપરાંત કોલેજમાં નોંધાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના છે.
સાવચેતીના ભાગરૂપે એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલની બે હોસ્ટેલ સીલ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે પરિસરને કોર્ડન કરી લીધું છે.હોસ્પિટલ સ્ટાફ ઉપરાંત આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ડેપ્યુટી કમિશનરે મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પોઝિટિવ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ સારવાર આપવામાં આવશે
ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે કહ્યું કે ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ, જેમને કોવિડ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા, તેઓની સારવાર હોસ્ટેલમાં જ કરવામાં આવશે.પાટીલે કહ્યું, બાકીના 100 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અમે બે હોસ્ટેલ સીલ કરી છે.વિદ્યાર્થીઓને સારવાર અને ભોજન આપવામાં આવશે. હોસ્ટેલમાંથી કોઈને બહાર જવા દેવામાં આવશે નહીં.આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવશે તેમને પણ હોસ્ટેલ પરિસરમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.