– સુરત જિલ્લાની છ પ્રાથમિક શાળાના બાળકો બે વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. જર્જરિત સ્કૂલ રિપોર્ટ કરી બિલ્ડીંગ નોનયુઝ જાહેર કરી તોડી પાડી નવી ન બનાવતા બાળકો તકલીફમાં
સુરત : સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતના તંત્ર અને ભાજપના શાસકો તેમજ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે ‘સુરત જિલ્લા પંચાયત હસ્તકની 6 ગામની પ્રાથમિક શાળાઓને જર્જરિત સ્કૂલનો રિપોર્ટ કરી બિલ્ડીંગ નોનયુઝ જાહેર કરી તોડી પાડી મોડલ સ્કૂલ બનાવવાના ધોળા દિવસે સ્વપ્ન બતાવવામાં આવ્યા છે.સ્કૂલોના મકાનો તોડી તો પાડ્યા છે પણ કમનસીબીની વાત એ છે કે નવા ઓરડાઓ બનાવવામાં આવ્યા નથી.તો આના કારણે કેટલાય દિવસોથી આ દેશનું ભાવિ એવા નિર્દોષ ભૂલકાઓને ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર થયા છે.’
તેઓએ આક્ષેપ કર્યો છે કે ‘ગુજરાતની શિક્ષણની સ્થિતિ કથળી રહી છે.ગુજરાતના કેટલાયે ગામડાઓ એવા છે કે જે ગામડાઓના વિદ્યાર્થીઓ ક્યાં તો ઝાડ નીચે બેસી અથવા તો ખુલ્લામાં બેસીને ભણે છે.તો ઘણી જગ્યાએ શૌચાલય કે પાણી અથવા તો પંખા કે બેન્ચની વ્યવસ્થા નથી હોતી.’
આ ઉપરાંત કોગ્રેસે આક્ષેપ કર્યો કે ‘વૈશ્વિક મહામારી કોરોના સમય કાળમાં કોરોના વોલિયનટસૅ તરીકેની ભૂમિકા ભજવી કોરોનાનો ભોગ બની 22 જેટલા શિક્ષકોના મોત નીપજ્યા હતા.આવા કિસ્સાઓમાં પણ સરકાર દ્વારા તેમના પરિવારજનોને રાતી પાઇ ચૂકવવાનો આવી નથી.આ બાબત પણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે જણાવી હતી.તો જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મંજુર મહેકમ કરતા 355 જેટલા શિક્ષકોની ઘટ હોવા છતાં નવી વરણી કરવામાં ન આવતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે.’
પૂર્વ પ્રમુખે નિંદા કરતા કહ્યું કે ‘ગુજરાત સરકારમાં સુરતના ચાર ચાર મંત્રીઓ હોવા છતાં સુરત જિલ્લાના છ ગામડાઓની શાળાઓના મકાન માટે ના નવીન ઓરડાઓ બનાવવા રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી.તેઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પાસે ગ્રાન્ટ ફાળવવા માટેના નાણાં જ નથી.’
આક્ષેપ કરતા કહ્યું કે ‘સરકાર સસ્તી પ્રસિદ્ધિ માટે સરકાર કરોડો રૂપિયાના આંધણ કરી રહી છે.પરંતુ નાણાં વગરના નાથિયા જેવી સરકારને બાળકોના શિક્ષણ માટે બેસવા શાળાઓના મકાન બનાવવા નાણાં નથી મળતા.તો આ સમાગ્ર મામલે આંદોલનની ચિમકી પણ સુરત જિલ્લા કોંગ્રેસ વતી દર્શન નાયક દ્વારા ઉચ્ચારવામાં આવી છે.’
તંત્રના અધિકારીઓનો જવાબ :સરકાર પાસે ગ્રાન્ટ નથી!
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ‘સરકારના વિભાગના ઉચ્ચ અધિકારીને લાગત પ્રશ્ન અને સંબંધિત હકીકતો જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ગ્રાન્ટ નથીના જવાબ મળી રહ્યા છે.સરકારી અધિકારીના જવાબો અને સરકારની લાલિયાવાડીના કારણે સુરત જિલ્લાના છ શાળાઓના બાળકો આજે પણ ખુલ્લામાં ભણવા મજબૂર છે.’