– દેવેન્દ્ર ફડણવીસ સામે પક્ષ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દાવો ઠોકે છે
મુંબઈ, તા.27 : કોંગ્રેસના આંતરિક ઝઘડા બહાર આવી જાય છે પરંતુ ભાજપમાં એ સીસ્ટમ છે કે આંતરિક રીતે વિખવાદ હોય તો પણ પક્ષના નેતાઓ ભાગ્યે જ જાહેરમાં તે અંગે નારાજગી વ્યકત કરતા હોય છે અથવા તો કરે તો તુરંત જ ડેમેજ કન્ટ્રોલરૂમે તેમને મનાવી લેવાય છે.આવી જ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ લાંબા સમયથી શિવસેના,એનસીપી અને કોંગ્રેસી ગઠબંધન સરકાર સામે તોપગોળા દાબે છે પરંતુ સફળતા મળતી નથી.વાસ્તવમાં રાજ્યમાં હવે જો ભાજપની સરકાર આવે તો ફડણવીસ જ મુખ્યમંત્રી બને તેવી શકયતા ઓછી હોવાનું માનવામાં આવે છે.એક તો રાજ્યના પ્રદેશ ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ હવે પોતાની દાવેદારી જતી કરવા તૈયાર નથી,હાલમાં જ તેઓએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ સાથે લાંબી બેઠક કરી હતી અને બાદમાં કહ્યું હતું કે,હું સંગઠન અંગે શ્રી શાહનું માર્ગદર્શન મેળવી રહ્યો છું.રાજ્યમાં જે રીતે મરાઠા અનામતનો મુદ્દો ગરમ થયો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે અનામત નકારતા હાલ આ વિવાદમાં ભાજપ કઈ રીતે માર્ગ કાઢવો તે જોઈ રહ્યા છે.તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી બનાવેલા નરાયણ રાણેએ ગઈકાલે જ એક નિવેદન કરીને આગામી ત્રણ માસમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હશે તેવું જણાવીને પક્ષમાં સૌને ચોંકાવી દીધા છે.
નારાયણ રાણે ભૂતકાળમાં કોંગ્રેસમાં મુખ્યમંત્રી રહી ચૂકયા છે અને તેઓ ભાજપમાં ભળ્યા બાદ રાજ્યસભામાં ચૂંટાઈને બાદમાં કેન્દ્રીય મંત્રી બન્યા છે પરંતુ તેમનું અસલી મિશન મહારાષ્ટ્રનું મુખ્યમંત્રીપદ છે અને તેમાં તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ટકકર લેવાની તૈયારી રાખી છે.આ મહારાષ્ટ્રનું રાજકારણ ભાજપમાં પણ ગરમી લાવી રહ્યું છે.