બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં શામપુરા તથા કઠોર ખાતે આવેલ જી.ઇ.બી ના ગોડાઉનમાંથી વાયરો તેમજ અન્ય સાધન સામગ્રીની ચોરી થઈ હતી.આ તસ્કરો બોલેરો પિકઅપમાં સામાન ભરી વેચવા નીકળ્યા હતા.જોકે આ સામાન વેચવા નીકળેલ તથા ખરીદવા આવનાર વ્યક્તિને એલસીબી પોલીસે કોસમાડી પાટીયા નજીકથી ઝડપી પાડ્યા હતા.ગોડાઉનમાં કામ કરતાં જ વ્યક્તિઓએ ચોરી કરી હતી.પોલીસે ત્રણ વ્યક્તિને ઝડપી પાડી કુલ રૂ. 3,43,700નો મુદ્દામાલ કબ્જે કરી એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની અલગ અલગ ટીમો આજરોજ પેટ્રોલીંગમાં નીકળી હતી.તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે કોસમાડી પાટીયા નજીક વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબનો બોલેરો પિકઅપ ટેમ્પો નંબર જીજે-05-બીઝેડ-3808 આવતા તેને અટકાવ્યો હતો.અને પાછળના ભાગે તપાસ કરતાં તેમાં વીજકંપનીના વાયરો તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવ્યા હતા.જે અંગે પિકઅપમાં બેસેલ બે વ્યક્તિને પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે આ સામાન ચોરીનો છે. જેથી પોલીસે ગિરધારીસિંગ ઉકારસિંગ રાવત (રહે, શામપુરા ગામ, ગોપાલનગર, તા-કામરેજ, મૂળ રહે, હરીમણી મગરી, જી-ભિલવાડા, રાજસ્થાન) તથા છોટુ નંગજીરામ જાટ (રહે, પરિમલ એપાર્ટમેંટ, ઘનશ્યામનગર , વરાછા,સુરત શહેર, મૂળ રહે, પડાસોલી, જી-ભિલવાડા, રાજસ્થાન)ની અટક કરી હતી જ્યારે આ સામાન ખરીદવા માટે આવેલ રામદયાલ ચંપાજી જાટ (રહે, પરિમલ એપાર્ટમેંટ, ઘનશ્યામનગર,વરાછા,સુરત, મૂળ રહે, જબરકીયા, ભિલવાડા, રાજસ્થાન) ને પણ ઝડપી પાડ્યો હતો. પકડાયેલ વ્યક્તિની વધુ પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ હતું કે તેઓ જી.ઇ.બી ના કોન્ટ્રાકટરનું કામ કરતાં ધર્મેશભાઈ પાસે નોકરી કરતાં હતા.અને તેમના શામપુરા તથા કઠોર ગોડાઉનમાંથી આ સામાનની ચોરી કરી હતી. એલસીબી પોલીસે વીજવાયરો તેમજ અન્ય સાધન સામગ્રી કિંમત રૂ, 33,800 તેમજ બોલેરો પિકઅપ ટેમ્પો કિંમત રૂ, 3 લાખ અને ત્રણ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ, 3,43,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ઓમસિંગ ઉર્ફે હુકમસિંગ રાવત (રહે, શામપુરા, તા-કામરેજ) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.