અમદાવાદ શહેરના ૩૫ કરોડના રોડ રીસરફેસના કામોની ત્રણ કોન્ટ્રાકટર વચ્ચે લહાણી કરી દેવાઈ

455

– નિકોલના એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાકટરને ૩૨૭ દિવસ બંધ હોવાછતાં સમય તથા ટિકીટના દર વધારો આપવા રીક્રીએશન કમિટીમાં દરખાસ્ત રજુ કરાઈ

અમદાવાદ,મંગળવાર,30 નવેમ્બર : અમદાવાદ શહેરના તૂટેલા રસ્તાઓને રીસરફેસ કરવા મામલે રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલી કોન્ટ્રાકટરો તરફથી મુકવામાં આવેલી ચાર પૈકી ૩૫ કરોડની ત્રણ દરખાસ્તો વીસ ટકાથી વધુ ભાવ કોન્ટ્રાકટરોએ માંગ્યો હોવા છતાં મંજુર કરી સત્તાધીશોએ કોન્ટ્રાકટરોની શરણાગતિ સ્વીકારી લીધી છે.બુધવારે મળનારી રીક્રીએશન કમિટીની બેઠકમાં નિકોલનો એમ્યુઝમેન્ટ પાર્ક ૩૨૭ દિવસ બંધ રહ્યો હોવા છતાં કોન્ટ્રાકટરને કરાર મર્યાદા તથા ટિકીટના વર્તમાન દરોમાં વધારો આપવાની મંજુરી માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળેલી રોડ કમિટીની બેઠકમાં દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ રીસરફેસ કરવા વિમલ કનસ્ટ્રકશનના અંદાજ કરતા ૨૫ ટકા વધુ ભાવ સાથેની ૬.૮૭ કરોડની દરખાસ્ત પરત કરવામાં આવી છે.બીજી તરફ પશ્ચિમ ઝોનમાં રોડ રીસરફેસ કરવા અંદાજીત ભાવથી ૧૭.૮૩ ટકા વધુ ભાવ સાથેના ૧૨.૯૫ કરોડની કીંમતની દરખાસ્ત મંજુર કરાઈ છે.વરુણ પ્રોકોનની અંદાજીત ભાવથી ૨૪.૧૦ ટકા સાથે ૧૩.૬૪ કરોડની દરખાસ્ત મંજુર કરાઈ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા તથા અન્ય વોર્ડના રસ્તા રીસરફેસ કરવા મારુતિ ઈન્ફ્રાક્રીએશનની ૨૦.૨૩ ટકા વધુ ભાવ સાથેની ૧૧.૮૯ કરોડની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી છે.

મ્યુનિ.ના સત્તાધીશો તરફથી મળેલી પ્રતિક્રીયા મુજબ, શેડયુઅલ ઓફ રેટસ વધુ હોવાના કારણે ભાવ ઉંચા આવ્યા છે.જો આ કારણ સાચુ હોય તો મ્યુનિ.માં ફરજ બજાવતા ઈજનેરો ને આપવામાં આવતા પગારઅને કામ માટે રાખવામાં આવતા કન્લટન્ટોને મ્યુનિ.તંત્ર તરફથી ચૂકવવામાં આવતી મોંઘી ફીનો અર્થ રહેતો નથી.અંદાજ ખોટા પડવાથી અંતે તો શહેરીજનોના ટેક્ષના નાણાં વેડફાઈ રહ્યા હોવાનું મ્યુનિ.ના પૂર્વ કર્મચારી પુનમ પરમારે પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.કોરોના મહામારીમાં બે વખત લોકડાઉનના કારણે નિકોલમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્ક બંધ રહ્યો હતો.આમ છતાં મ્યુનિ.તરફથી એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાકટરને કરારની સમયમર્યાદા વધારી આપવા તથા ટિકીટના દરમાં વધારો કરી આપવાની મંજુરી માંગતી દરખાસ્ત રીક્રીએશન કમિટી સમક્ષ મુકવામાં આવી છે જે પણ વિવાદાસ્પદ બને એમ છે.

કયા કોન્ટ્રાકટરને કેટલો ભાવ વધારો?

રોડ કમિટી દ્વારા સોમવારે મ્યુનિ.ના અંદાજ કરતા પણ વધુ રકમ સાથેના રોડ રીસરફેસના કામોને મંજુરી આપી છે.જે અંગેની વિગત આ મુજબ છે.

ઝોન કોન્ટ્રાકટર અંદાજીત રકમ ભાવ કરતા વધુ (%) ચુકવવાની થતી રકમ

ઉ.પશ્ચિમ મારુતી ઈન્ફ્રા. ૧૧૮૯૫૧૭૧૧ ૨૦.૨૩ ૨૦૦૧૪૯૧૪

પશ્ચિમ એપેક્ષ કનસ્ટ્રકશન ૧૧૭૭૮૫૨૪૫ ૧૭.૮૩ ૧૭૮૨૩૨૨૮

પશ્ચિમ વરુણ પ્રોકોન લી. ૧૩૬૪૫૮૧૪૯ ૨૪.૧૦ ૨૬૪૯૯૯૩૧

Share Now