સરકારી ઓફિસોમાં કરપ્શન માત્ર પુરૂષ અધિકારી કે કર્મચારીઓ નહીં,મહિલાઓ પણ કરી રહી છે.એન્ટી કરપ્શન બ્યુરોના આંકડા પ્રમાણે લાંચ લેવામાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની રહી છે.થોડાં સમય પહેલાં રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં કરપ્શનના આરોપસર બે મહિલા કર્મચારીને સચિવાલયની બહાર ખસેડવામાં આવી હતી.એવી જ રીતે ગૃહ વિભાગમાં પણ મહિલાઓ કરપ્શનમાં પુરૂષની બરોબરી કરે છે.આંકડા મુજબ સૌથી વધુ કરપ્શન ગૃહ વિભાગમાં છે.નવા બનેલા યુવા મંત્રી હર્ષ સઘવીએ આ કાળી ટીલી દૂર કરવા કંઇક કરવું જોઇએ.ખાસ કરીને સામાન્ય લોકોને નાની નાની વાતોમાં લાંચ માટે થતી હેરાનગતિ દૂર કરવા કંઇક કરવું જોઇએ.
એન્ટી કરપ્શન બ્યુરોના આંકડા પ્રમાણે પ્રતિવર્ષ સરકારી અધિકારી કે કર્મચારી સામે લાંચ લેવાના સરેરાશ 200 થી 250 જેટલા કેસ બને છે.આ કેસોમાં હવે તો મહિલા કર્મચારીઓ પણ સામેલ થતાં જાય છે.બ્યુરોના આંકડા પ્રમાણે દોઢ વર્ષમાં 24થી વધુ મહિલા કર્મચારીઓ લાંચ લેતાં પકડાયા છે.જે મહિલાઓ લાંચ લેતી પકડાઇ છે તેમાં જીએસટીના જોઇન્ટ કમિશનર થી તલાટી કમ મંત્રી અને મહિલા સરપંચનો પણ સમાવેશ થાય છે.
બ્યુરોના એક અધિકારીએ કહ્યું હતું કે જે મહિલા કર્મચારીઓ લાંચ લેતાં પકડાયા છે તે પૈકી મોટાભાગની મહિલા કર્મચારીઓ સામે આવક કરતાં વધુ મિલકતો ધરાવવાના કેસ પણ દાખલ થયાં છે.સર્વેક્ષણના સમયમાં આઠ મહિલા સરપંચ અને પાંચ મહિલા તલાટી કમ મંત્રી લાંચ લેતાં પકડાયા છે.રાજ્યના શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે અધિકારી કે કર્મચારીઓ લાંચ લેવામાં ગભરાતા નથી.
એન્ટી કરપ્શન બ્યુરોએ 2019માં 255 અને 2020માં 200 લોકોને લાંચ લેતાં પકડ્યા છે. આ કેસો પૈકી વર્ગ-1ના અધિકારીઓની સંખ્યા 23, વર્ગ-2ના અધિકારીઓની સંખ્યા 99, વર્ગ-3ના કર્મચારીઓની સંખ્યા 357 અને વર્ગ-4ના કર્મચારીની સંખ્યા સૌથી ઓછી 9 નોંધાઇ છે.આ બન્ને વર્ષમાં 264 ખાનગી વ્યક્તિઓ સામે ગુના દાખલ થયા છે કે જેઓ લાંચ લેતા પકડાયા છે.
સૌથી વધુ કરપ્ટ પ્રેક્ટિસ થતી હોય તેવા સરકારી વિભાગોમાં ટોચક્રમે ગૃહ,શહેરી વિકાસ,મહેસૂલ,પંચાયત,આરોગ્ય વિભાગ છે.બીજી તરફ જેની ઓછી નોંધ લેવાય છે પરંતુ વધુ કરપ્શન ચાલે છે તેવા જાહેર સાહસોમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ટોચના સ્થાને છે.આ વિભાગો અને સાહસોની સૌથી વધુ ફરિયાદો ગુજરાત તકેદારી આયોગમાં નોંધાય છે.


