– ખેતરોમાં કપાયેલી શેરડીનો મોટો જથ્થો પડી રહેતા ખેડૂતોની ચિંતા વધી
બારડોલી : આખી રાત પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાય જવાથી શેરડી કાપણી અટકી જતાં બારડોલી સુગર ફેક્ટરીએ પીલાણ કાર્ય બંધ કરવાની ફરજ પડી છે.કાપેલી શેરડીનું વાહતુક ન થઈ શકતા કાપેલી શેરડીની મોટો જથ્થો ખેતરોમાં પડી રહ્યો છે.જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.ગુરુવારે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
ગત મહિનાથી સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી કાપણીની શરૂઆત કરવામાં આવી હતી.એક તરફ પાછોતરાં વરસાદને કારણે સુગર ફેક્ટરીમાં પીલાણ કાર્ય નિયત સમય કરતાં મોડુ ચાલુ થયું હતું.તો બીજી તરફ દસ દિવસ પૂર્વે વરસેલા કમોસમી વરસાદે શેરડી કાપણી અને રોપાણ બંને પર અસર કર્યા બાદ ફરી એક વખત ગત રોજથી શરૂ થયેલા વરસાદે ખેડૂતોને દોડતા કરી દીધા છે.બુધવારે સવારે શરૂ થયેલો વરસાદ બીજા દિવસે ગુરુવાર સવાર સુધી સતત વરસતા ખેતરોમાં પાણી પાણી થઈ ગયું હતું.જેને કારણે કાપણી પણ અટકાવી દેવાની ફરજ પડી હતી.કેટલાક ખેતરોમાં અડધેથી કાપણી અટકી જતાં શેરડીનો જથ્થો પણ ખેતરોમાં જ પડી રહ્યો છે.જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.જમીન પોચી થઈ જતાં વાહનો ખેતર સુધી પહોંચી ન શકતા વાહતુક કરવું પણ અઘરું થઈ ગયું છે.શેરડીનો જથ્થો સુગર ફેક્ટરી સુધી પહોંચી ન શકતા હાલ પૂરતું પીલાણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે.બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યુ હતું કે, ભારે વરસાદને કારણે કાપણી અટકી જવાથી સુગર ફેક્ટરીમાં જથ્થો આવી શક્યો નથી.જો હવે વરસાદ ન પડે તો ત્રણ દિવસ બાદ પીલાણ કાર્ય શરૂ કરવાની શક્યતા છે.


